વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજિત બચ્ચનની ગોળી મારી હત્યા

યુપીની રાજધાની લખનૌમાં હિન્દુવાદી નેતા અને વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજિત બચ્ચનની સનસનાટીપૂર્ણ હત્યા કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઇક સવાર પર હુમલાખોરોએ તેમના માથામાં અનેક ગોળીઓ મારી હતી અને ઘટના બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સવારે આ હત્યાકાંડ બાદ લખનૌ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગયા વર્ષે શરૂઆતમાં હિન્દુવાદી નેતા અને હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની ગળું રહેંસનીને હત્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ગોરખપુરના રહેવાસી રણજિત બચ્ચન આજે સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે બાઇક સવાર હુમલાખોરોએ તેમને માથામાં ગોળી મારી દીધી હતી. રણજિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ડીસીપી સેન્ટ્રલ લખનૌ દિનેશસિંહે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, ‘લાશની ઓળખ રણજિત બચ્ચન તરીકે થઈ છે, જે સવારે મોર્નિંગ વોરક માટે નીકળ્યા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ તેને ગોળી મારી દીધી હતી. આ મામલાની તપાસ માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ હત્યારાઓની શોધ કરી રહી છે.

ગોરખપુરનો રહેવાસી રણજીત બચ્ચન હઝરતગંજની ઓસીઆર બિલ્ડિંગના બી-બ્લોકમાં રહેતા હતા. અગાઉ રણજિત સમાજવાદી પાર્ટી સાથે પણ જોડાયેલા રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ તેમના પિતરાઇ ભાઇ આદિત્ય શ્રીવાસ્તવ સાથે તેઓ મોર્નિંગ વોક પર બહાર ગયા હતા. પરિવર્તન ચોક પાસે ગ્લોબ પાર્કથી નીકળતાં જ બાઇક સવારોએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં રણજીતને માથામાં ગોળી વાગી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત આદિત્યની ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. પોલીસ હત્યા પાછળનું કારણ શોધવા પ્રયાસ કરી રહી છે.