બે હજાર મેટ્રિક ટન ડુંગળી ગુજરાતમાં ઠલવાશે, ભાવમાં થઈ શકે છે ધરખમ ઘટાડો

દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળતા હતા ત્યારે ભારત સરકારે આયાત કરેલી હજારો ટન ડુંગળી મુંબઇ બંદરે ખડકાઇ છે. હવે આ ડુંગળીના નિકાલ માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો ઠલવાય તેવી તૈયારી થઈ રહી છે. મુંબઈ બંદરે ગુજરાત માટેની ડુંગળીનો જથ્થો લાંબા સમયથી આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ તે જથ્થો ઉપાડીને ગુજરાતમાં લઈ જવાની તાકીદ કરતા તે અંગેનો વહીવટી સળવળાટ શરૂ થયો છે.

રાજ્યના અધિકારીઓ એક-બે દિવસમાં ડુંગળીની ચકાસણી કરવા મુંબઈ બંદરે જશે. જો ડુંગળી યોગ્ય સ્થિતિમાં હશે તો તરત જ ગુજરાતમાં લાવવાની કાર્યવાહી થશે. જો કે, બગડેલી કે નબળી પડી ગયેલી ડુંગળી રાજ્ય સરકાર સંભાળવા માંગતી નથી. નાફેડ તરફથી 10ની કિલો લેખે બે હજાર મેટ્રિક ટન ડુંગળી ગુજરાત માટે તુર્કીથી મંગાવવામાં આવી છે.

ડૂંગળીની આવક થતાં હવે ગુજરાતમાં ટૂંક સમયમાં ડૂંગળીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે અને 22-23 રૂપિયા કિલો ડૂંગળી લોકોને મળે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. પાછલા કેટલાક મહિનાઓથી ડૂંગળીના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.