શંકરસિંહ વાઘેલાએ કર્યો આવો મોટો આક્ષેપ: “ભાજપ સરકારે પત્રકારોને 50 હજારના ચેક આપ્યા”

તાજેતરમાં ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન રાજકોટના પત્રકારોને 50 હજાર રૂપિયાના ચેક આપવાના વિવાદમાં એનસીપીના ગુજરાતના પ્રમુખ શંકરસિંહ વાઘેલા આજે સુરત આવ્યા હતા. સુરત મુલાકાત દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં વાઘેલા બાપુએ ભાજપ સરકાર પર પત્રકારોને ભ્રષ્ટ કરવાનો આરોપ મૂક્યો હતો. કલેક્ટર દ્વારા ચેક આપવામાં આવ્યા હતા. હાલ ચેકને લઈ રાજકોટનાં પત્રકારોમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપે 26મી જાન્યુઆરીએ જે કાર્યક્રમ રાખ્યો હતો અને મીડિયામાં તેને સારું કવરેજ મળે તે માટે પત્રકારોને ચેક આપવામાં આવ્યા હતા. સાચું ખોટું હોય જ, પણ સારી વાત લખાય, વાહ-વાહ કરાય, તેના માટે કલેક્ટરે લગભગ પચાસ હજાર રૂપિયાના વ્હાઈટમાં ચેક આપ્યા. આ મોટો ભ્રષ્ટાચાર છે. આવી રીતે મીડિયાને ભ્રષ્ટાચારના ભાગીદાર નહીં બનાવવા જોઈએ.

તેમણે કહ્યું કે જે મિત્રોએ લીધો હોય તેમણે સાથે મળીને ગાંધીનગર વિધાનસભામાં જઈ મુખ્યમંત્રીને ચેક પરત આપવા જોઈએ. છાપામાં છપાય તોય શું અને ન છપાય તોય શું. લોકોને ખબર પડવાની જ છે. તમે જે કરી રહ્યા છો એ બરાબર નથી.

શંકરસિંહે કહ્યું કે મને કેટલાક પત્રકારોએ ચેકા નમૂના પણ મને બતાવ્યા છે. આ ચેકશેના માટે આપ્યા? કેમ આપ્યા? શેનો પ્રેમ ઉભરાઈ ગયો? સરકાર તમારી, બધું જ તમારું અને ખોટી વાહ-વાહી માટે આવી રીત ચોથી જાગીરને ભ્રષ્ટ કરવાની જરૂર નથી.

તેમણે જણાવ્યું કે પત્રકારો મિત્રોએ જાહેરમાં આ ચેક આપવા જોઈએ અને કહેવું જોઈએ કે તમારી આ ચેકની ભીખ અમને જોઈતી નથી.

વધુમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના આધારે જ સરકારમાં બેઠાં છે. જેનો વડો ભ્રષ્ટ છે તો સરકારી તંત્રમાં પણ ભ્રષ્ટાચાર આવી જ જાય છે. આ તો લોકશાહીની મજાક છે.