એક લાખથી વધુનું સોનું ખરીદવા માટે પાનકાર્ડ ફરજિયાત

જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ તરફથી સોના પર નાંખવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યુટી 12.50 ટકાથી ઘટાડી 4 ટકા કરવાની માંગણી અંતર્ગત બજેટ પહેલા જ કેન્દ્ર સરકારે રૃપિયા એક લાખથી વધુનું સોનું ખરીદવા માટે પાનકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે શહેરના જ્વેલર્સમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

મની લોન્ડરીંગ એક્ટ હેઠળ દોઢ વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાનામું પ્રસિદ્ધ કરી રૃપિયા બે લાખથી વધુની કિંમતનું સોનું રોકડમાં ખરીદી શકાય નહીં અને ખરીદવા માટે પાનકાર્ડ ફરજિયાત રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ લિમિટ ઘટાડીને રૃપિયા એક લાખ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં રાજકોટ પછી સુરત ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના મેન્યુફેક્ચરીંગનું હબ ગણાય છે.

તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા 10 ગ્રામ સોનાના દર રૃપિયા 43 હજારની સપાટી ટચ કરીને હાલ ભાવ નીચે આવ્યો છે. તેવા સંજોગોમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને બજારમાં ખરીદી નીકળી છે ત્યારે જ નવા જાહેરનામાને પગલે શહેરના જ્વેલર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતમાં યુ.એસ., યુ.કે. સહિત દેશના નોર્થ અને સાઉથ શહેરોમાં ડિમાન્ડમાં રહેતી મોંઘીદાટ જ્વેલરીઓનું મેન્યુફેક્ચરીંગ થાય છે, ત્યારે સરકારે રોકડમાં જ્વેલરી ખરીદવાની લિમિટમાં કરેલા ઘટાડાથી રોકાણકારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.