મોદી સરકારનું બજેટ 2020 : ખેડૂતો માટે થઇ આટલી જાહેરાત

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં આજે બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે અમારી સરકાર આગામી 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક વધે એ માટે કેન્દ્ર સરકાર 16 સૂત્રીય યોજનાનો અમલ કરવા માગે છે, સાથે જ તેમણે ખેત પેદાશોના વેચાણને સુગમ બનાવવા માટે નવા બજારો ઊભા કરવાની જરૂરિયાત પર ભાર મુકતા આ મુજબની 16 સુત્રીય યોજનાઓ જાહેર કરી હતી.

 • ખેડૂતોને અપાતી મદદને દીનદયાળ યોજના અંતર્ગત વધારવામાં આવશે. ઝીરો બજેટ કુદરતી ખેતીને મજબૂત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
 • બાગાયત ખેતીમાં સુધારાની આવશ્યકતા છે. એ માટે બાગાયત ખેડૂતોને જિલ્લા સ્તરે યોજનાઓનો લાભ મળશે. હાલમાં 311 મિલિયન મેટ્રિક ટન જેટલું બાગાયતી ઉત્પાદન છે. પ્રત્યેક જિલ્લાનું ઓછામાં ઓછું એક ઉત્પાદન નિકાસ થાય એવી યોજના અમલમાં મૂકાશે.
 • મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજના શરૂ કરાશે. જેમાં બીજ સાથે સંબંધિત યોજનાઓમાં મહિલા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
 • કૃષિ ઊડાન યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે નવા બજારોની શક્યતા ઊભી કરવામાં આવશે.
 • પાણીની સમસ્યા સૌથી મોટો પ્રશ્ન છે. પાણીની આવશ્યકતા પારખીને દેશના કુલ 100 જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા સુલભ કરાવવામાં આવશે.
 • પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેતીમાં વપરાતા પમ્પને સોલર પમ્પ સાથે જોડવામાં આવશે. આ યોજનામાં 20 લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે. આ ઉપરાંત 15 લાખ ખેડૂતોના ગ્રિડ પમ્પને પણ સોલાર એનર્જી સાથે જોડવામાં આવશે.
 • જમીનની ફળદ્રુપતા વધારવી એ સરકારનું મુખ્ય લક્ષ્યાંક છે. આ માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાનું લક્ષ્યાંક છે. આ અંગે સેન્દ્રિય અને કુદરતી ખાતરના વપરાશને ઉત્તેજન મળે એવા પગલાં લેવાશે.
 • કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને વર્ષ 2021માં ઉત્તેજન આપવામાં આવશે.
 • દૂધના ઉત્પાદનને બમણું કરવા માટે સરકાર વિશેષ યોજના આપશે. 2025 સુધીમાં દૂધનું ઉત્પાદન 108 મિલિયન મેટ્રિક ટન એટલે કે બમણું કરવાનું લક્ષ્યાંક છે.
 • દૂધ, માંસ, મચ્છી જેવી જલ્દી ખરાબ થઈ જતી ચીજ-વસ્તુ માટે એરકન્ડીશન્ડ કિસાન રેલ કોચ શરૂ કરવામાં આવશે.
 • બ્લુ ઈકોનોમિ દ્વારા માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે. ફિશ પ્રોસેસિંગ ઝડપી અને અસરકારક બને એ માટે યોજના આપવામાં આવશે.
 • હાલ દેશભરમાં ઉપલબ્ધ વેયરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ હસ્તક લેવામાં આવશે અને તેને નવેસરથી વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત પીપીપી મોડેલથી દેશમાં નવા વેયરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે.
 • મનરેગા અંતર્ગત દૂધાળા ઢોર માટેના ચારાને જોડવામાં આવશે.
 • માછલીઓની પ્રાપ્યતા માટે નવા વિસ્તારો વિકસાવવામાં આવશે. સાગરમિત્ર યોજના હેઠળ માછીમારોના 500 સંગઠનો બનાવવમાં આવશે.
 • મધમાખી ઉછેર કેન્દ્રોને પ્રોત્સાહન આપવામાં આવશે.