બજેટમાં મળી મોટી ખબર, બેન્ક ડૂબશે તો પણ સેફ રહેશે તમારા પાંચ લાખ રૂપિયા

બજેટમાં સરકારે તમારી બેંક ડિપોઝિટ વિશે મોટી જાહેરાત કરી છે. હવે તમને બેંક ડિપોઝિટ પર 5 લાખ રૂપિયા સુધીની ગેરેંટી મળશે. મતલબ કે તમારા 5 લાખ રૂપિયા બેંકમાં એકદમ સુરક્ષિત રહેશે. બેંકોમાં પૈસા જમા કરનારાઓ માટે વીમા કવર એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. જો બેંક ડૂબી જાય તો તમને તમારી 5 લાખ રૂપિયા સુધીની થાપણ પાછા મળી જશે, આ રકમ સુરક્ષિત રહેશે.

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક (PMC) સાથે જોડાયેલા કેસમાં સરકાર અને આરબીઆઇને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. PMC બેંકે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કામગીરી બંધ કરી દીધી હતી. હજારો થાપણદારોના રૂપિયા સલવાઈ ગયા હતા.

અત્યાર સુધી DICGC એક્ટ 1961 પ્રમાણે એક લાખ રૂપિયા સુધીની થાપણો પર વીમા કવચ છે અને જો બેંક ડૂબી જાય છે, તો આ લિમીટ કરતાં વધારે રૂપિયા કાઢવાની ગેરંટી આપવામાં આવી ન હતી.આ કમ્પનસેશન નક્કી કરવાને 25 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે.

ડિપોઝિટ કવર વધારવાનો મુદ્દો નાણાકીય ઠરાવ અને થાપણ વીમા બિલ સમયે ઉઠાવવામાં આવ્યો હતો, જે અગાઉની સરકાર દ્વારા 2017માં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, પછીના વર્ષે સંસદમાંથી બીલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવરેજ લિમિટના ડેટા દર્શાવે છે કે ભારતમાં ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવરેજ  1508 છે, યુએસમાં 250,000 ડોલર અને યુકેમાં 111,143 ડોલરની આંકવામાં આવી છે.