દિશા પટનીની લાઇફમાંથી ટાઇગર શ્રોફ આઉટ, કહ્યું તેને હજુ છે પ્રેમની શોધ

અભિનેત્રી દિશા પટની અને ટાઇગર શ્રોફના રિલેશનશિપ અંગે ઘણીવાર સમાચારો ઝળકી ચુક્યા છે અને આ બંને ઘણીવાર એક સાથે જોવા પણ મળ્યા છે, જો કે હવે એવું લાગે છે કે તેમના પ્રેમ સાગરની ભરતી હવે ઓસરી રહી છે અને તેમાં ઓટ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. દિશા પટનીએ હાલમાં એક વાતચીતમાં જે કહ્યું તેનાથી એવો ઇશારો મળી રહ્યો છે કે તેના જીવનમાંથી ટાઇગર શ્રોફ આઉટ થયો છે અને તે હવે નવા પ્રેમની શોધ કરી રહી છે.

દિશાએ કહ્યું હતું કે તે પોતાના જીવનમાં ઘણાં વર્ષોથી પ્રેમની શોધ કરી રહી છે. તેણે કહ્યું હતું કે તેને આજ સુધી કોઇએ રિલેશનશિપ માટે પ્રપોઝ નથી કર્યું. એટલું જ નહીં દિશાએ એવું પણ કહ્યું હતું કે સ્કુલના સમયમાં હું ટોમ બોય ટાઇપની હતી અને મારા પપ્પા પોલીસમાં હતા તો કદાચ એ કારણે જ મારાથી બધા છોકરાઓ દૂર રહેતા હતા અને મને પુછતા ડરતાં હતા.

તેને જ્યારે ટાઇગર શ્રોફ સાથેના ડેટિંગ અંગે પુછાયું તો તેણે એવો જવાબ આપ્યો હતો કે હું ઘણાં વર્ષોથી પ્રેમ માટે મારું નસીબ અજમાવી રહી છું પણ તેમાં કંઇ થઇ નથી રહ્યું. તેણે ઉમેર્યું હતુ્ં કે હું છોકરી હોવાનું ત્યારે જ અનુભવું છું જ્યારે હું રિલેશનશિપમાં હોઉ છું અને હાલ મને કોઇ એવાની શોધ છે જે મને એ અહેસાસ કરાવે કે હું એક છોકરી છું.