ચીનમાં રસ્તા પર મળી રહી છે લાશો, કોરોના વાયરસથી મરી રહ્યા છે લોકો

કોરોના ચીનમાં એટલી ખતરનાક બની ગઈ છે કે ત્યાંના રસ્તા પર લોકોની લાશો મળી રહી છે. રોડ પર લોકો અચાનક નીચે પડી રહ્યા છે અને તેઓ મરી રહ્યા છે. ત્યાંથી આવી તસવીરો પણ બહાર આવી રહી છે.

ધ સન’ ના રિપોર્ટ અનુસાર ચીનના વુહાન શહેરમાં આવા કિસ્સા સામે આવી રહ્યા છે. માસ્ક પહેરેલો સાયકલ સવાર અચાનક નીચે પડી ગયો અને જ્યારે તેની પાસે મેડીકલ ટીમ પહોંચી તો મરી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું.

વુહાનના લોકોનું કહેવું છે કે સાયકલ સવારનું મોત કોરોના વાયરસને કારણે થયું છે કારણ કે આજકાલ ઘણા લોકો આ રીતે મરી ગયા છે, આ ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે.

ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 259 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે લગભગ 12 હજાર ચીની નાગરિકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. સ્થિતિ એવી છે કે ચીન પાસે માસ્કની અછત ઉભી થઈ છે. આ અભાવ ત્યાંના વાયરસના ચેપથી લોકોને બચાવવામાં અવરોધ બની રહ્યો છે.

બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના વાયરસ સંબંધિત વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જ્યારે ચીને કહ્યું છે કે તમામ દેશોએ જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ અને વધુ પડતી પ્રતિક્રિયા ટાળવી જોઈએ.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે તે તમામ વિદેશી નાગરિકોનું રક્ષણ કરવાની ખાતરી આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચીન જવાબદારીની ભાવના અને નિખાલસતાના સિદ્ધાંતોનું પાલન કરીને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સહયોગ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

ચીનમાં કોરોના વાયરસમાં ફસાયેલા ભારતીય લોકોને પાછા લાવવામાં આવ્યા છે. આ માટે દિલ્હીના ચાવલા કેમ્પની નજીક વ્યવસ્થા કરવામાં આવી છે, જે ITBP (ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ) દ્વારા તૈયાર કરવામાં આવી છે. અહીં 600 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમેરિકાએ શુક્રવારે કહ્યું છે કે જાહેર આરોગ્ય કટોકટીની ઘોષણા કરવા જઈ રહ્યું છે અને ચીનથી આવતા પ્રવાસીઓને અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.

WHO મુજબ ભારત સહિત 21 દેશોમાં કોરોના વાયરસના ચેપ હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ભારત, શ્રીલંકા, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, કંબોડિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, તાઇવાન, મકાઉ, વિયેટનામ, યુએઈ, રશિયા અને યુકેનો સમાવેશ થાય છે.

WHOનાં વડા ટેડ્રોસ એડેનોમ ગેબ્રિયસિસે કહ્યું કે સૌથી મોટી ચિંતા એ છે કે સૌથી ખરાબ આરોગ્ય સુવિધાઓવાળા દેશોમાં વાયરસ ન ફેલાય તેની તકેદારી રાખવાની રહે છે. ચીનનું કહેવું છે કે તે વાયરસ સામે લડવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.