દિલ્હી માટે ભાજપનો ઢંઢેરો: બે રૂપિયે કિલો લોટ, વિદ્યાર્થીઓ માટે મફત સ્કૂટીનો વાયદો, આ છે મોટા-મોટા વચનો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ઢંઢેરાને ભાજપે સંકલ્પ પત્ર કહ્યું છે. ઢંઢેરો જાહેર કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે કેટલીક વસ્તુઓ મફતમાં વહેંચીને દિલ્હીનું ભવિષ્ય બની શકશે નહીં.

ભાજપના ઢંઢેરામાં કરવામાં આવેલા મોટા વચનો …

 • દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર
 • નવી ઓથોરાઇઝ્ડ કોલોની માટે વિકાસ બોર્ડ
 • વેપારીઓ માટે લીઝ હોલ્ડને એક વર્ષમાં ફ્રી હોલ્ડ કરાશે
 • સીલ ન કરવા માટેના નિયમો અને કાયદાઓમાં ફેરફાર
 • ભાડૂતોના હિતનું રક્ષણ
 • જેમને ઘઉં મળે છે તેમને બે રૂપિયે કિલો લોટ
 • દિલ્હીને ટેન્કર માફિયાઓથી મુક્ત કરાશે
 • દરેક ઘરના નળમાંથી શુદ્ધ પાણી આપવાની યોજના
 • દિલ્હીમાં 200 નવી શાળાઓ ખોલવામાં આવશે
 • દિલ્હીમાં 10 નવી મોટી કોલેજો ખોલાશે
 • દિલ્હીમાં આયુષ્માન, પીએમ આવાસ, કિસાન સન્માન નિધિ યોજનાનો અમલ
 • સમૃદ્ધ દિલ્હી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની જાહેરાત, 10 હજાર કરોડનો ખર્ચ
 • ગરીબ પરિવારમાં, પુત્રીના જન્મ સમયે ખાતું ખોલાશે, જ્યારે તે 21 વર્ષની થાય ત્યારે 2 લાખ રૂપિયા અપાશે
 • કોલેજમાં જતા ગરીબ યુવતીઓને મફતમાં ઇલેક્ટ્રિક સ્કૂટી આપવામાં આવશે.
 • નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને મફતમાં સાયકલ

શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સંકલ્પ પત્ર જારી કરીને કહ્યું કે અમે દિલ્હીનું ભાગ્ય બદલવા જઈ રહ્યા છીએ. દિલ્હીમાં હવા-જળ પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે. કેન્દ્ર સરકાર બંને દિશામાં મોટુ કામ કરી રહી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી-2020 માટે ભાજપ ‘સંકલ્પ પત્ર’ જારી કરી રહ્યું છે.

નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકારનું ધ્યાન દિલ્હીમાં શુધ્ધ પાણી આપવાનું છે. કેન્દ્ર સરકાર દ્વારા 7000 કરોડના પ્રોજેક્ટ માટે ચલાવવામાં આવેલી નિર્મલ ગંગા યોજના હેઠળ  દિલ્હીમાં 2070 સુધીમાં સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. સરકારે પશ્ચિમ-પૂર્વીય પેરિફેરલ એક્સપ્રેસ વે બનાવવાનું કામ કર્યું છે.

દિલ્હીથી મુંબઇ સુધી વિશ્વનો સૌથી મોટો એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. દિલ્હીના લોકો 12 કલાકમાં મુંબઇ પહોંચશે. આના માધ્યમથી દિલ્હી આસપાસના ગામોને પણ ફાયદો થશે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે. હવે લોકો ચાલીસ મિનિટમાં દિલ્હીથી મેરઠ જઈ શકશે. કેન્દ્ર સરકારે લગભગ 16 હજાર કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વીય પેરિફેલ્સનું નિર્માણ પૂર્ણ કર્યું છે.