મહિલા ત્રિકોણીય ટી-20 સીરિઝ : હરમનપ્રીત કૌરે ધોનીવાળી કરી ભારતને ઇંગ્લેન્ડ સામે જીતાડ્યું

કેનબરામાં રમાઇ રહેલી મહિલા ટી-20 ત્રિકોણીય સીરિઝની પહેલી મેચમાં ભારતીય મહિલા ટીમે પહેલા બોલિંગમાં જોરદાર પ્રદર્શન પછી કેપ્ટન હરમનપ્રીત કૌરની નોટઆઉટ ઇનિંગની મદદથી 5 વિકેટે ઇંગ્લેન્ડને હરાવીને વિજય સાથે શરૂઆત કરી છે.

ભારતીય બોલરોએ જોરદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને 147ના સ્કોર સુધી સિમિત રાખી હતી અને જવાબમાં હરમનપ્રીત કૌરની 34 બોલમાં 42 રનની નોટઆઉટ ઇનિંગ અને અંતિમ ઓવરમાં ફટકારેલા છગ્ગાની મદદથી લક્ષ્યાંક 3 બોલ બાકી રાખીને પાંચ વિકેટે વિજય મેળવી લીધો હતો. હરમનપ્રીતે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

હરમનપ્રીત કૌરે 12મી વાર સફળ રનચેઝનો રેકોર્ડ બનાવ્યો

પોતાની આ જોરદાર ઇનિંગની સાથે હરમનપ્રીત કૌરે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતાપૂર્વક રન ચેઝમાં 12મી વાર નોટઆઉટ રહીને એક કમાલ કર્યો હતો. મહિલા ટી-20 ઇન્ટરનેશનલમાં સફળતાપૂર્વક રન ચેઝમાં બીજો સૌથી વધુવાર નોટઆઉટ રહેવાનો રેકોર્ડ હતો. હરમનપ્રીત કૌર ટી-20 ઇન્ટરનેશનલમાં ક્રિકેટમાં રનચેઝમાં 13 વાર નોટઆઉટ રહી છે અને તેમાંથી ભારત માત્ર એક જ મેચ હાર્યું છે અને તે વેસ્ટઇન્ડિઝ સામે 2016માં મળ્યો છે, જેમાં હરમનપ્રીત કૌરની 60 રનની નોટઆઉટ ઇનિંગ છતાં ભારત હાર્યું હતું.