તત્કાલીન CM મોદીની સભા નજીક 42 બાઈક સળગાવી દેવાની ઘટના, કોંગ્રેસના નેતાઓ સહિત સરદાર સમિતિના તમામનો છૂટકારો

સુરતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભા દરમિયાન વાહનો સળગાવી દેવાની ઘટનામાં સુરત કોર્ટે કોંગ્રેસ સહિત સરદાર ઉત્કર્ષ સમિતિના તમામ લોકોને નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો હતો.

બચાવપક્ષના વકીલ યશવંત વાળાએ માહિતી આપતા જણાવ્યું કે 2007માં 21મી ઓક્ટોબરના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સુરતમાં અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ અભિવાદન સમારોહ નજીક 42 બાઈક સળગાવી દેવાની ઘટના બની હતી. આ ઘટના અંગે સુરતની કાપોદ્રા પોલીસે ભીખુ ઝવેરી, સંજય ધીરજલાલ, સુરેશ પનસારા, જગદીશ ખૂંટ,દલસુખ ચોવટીયા, જીતુ પટેલ તથા કોંગ્રેસના નેતા અશોક છોડવડીયા અને ભગીરથ પીઠવડીવાળા જેવા લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે આ કેસમાં 70થી વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.સળગાવી દેવાયેલી બાઈકનો એફએસએલ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ અને પુછપરછ કરવામાં આવી હતી. આરોપીઓ અને ભોગબનનારના મોબાઈલ લોકેશન અને CDR મેળવવામાં આવ્યાં હતા. શંકાના આધારે પોલીસે આશરે તે સમયે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે નવ આરોપીની ધરપકડ કરી હતી.

તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષથી કોર્ટ સમક્ષ આરોપીઓ હાજર રહ્યા હતા પરંતુ પોલીસની તપાસમાં ખામી જણાઈ આવી હતી અને તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.આખરે ટ્રાયલ પૂરી થયા બાદ આરોપીઓ વિરુદ્ધ પુરતા પુરાવાઓનો અભાવ અને કોર્ટમાં સરકાર પક્ષ કેસને પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

આરોપીઓ તરફે યશવંતસિંહ વાળા એડવોકેટ તથા એડવોકેટ શિરસાઠ અને ભાવેશ પીપલીયાએ કોર્ટમાં દલીલો કરી હતી.