જામિયામાં પિસ્તોલ લહેરાવી યુવાન બોલ્યો : હિન્દુસ્તાનમાં રહેવુ હોય તો વંદે માતરમ બોલવું પડશે

ગુરૂવારે જામિયા નગરમાં સીએએ વિરોધી રેલીમાં એક વ્યક્તિએ અચાનક સામે આવીને પિસ્તોલ હવામાં લહેરાવીને પછી ફાયરિંગ કર્યુ હતું. ગોળીબાર કરનારા આ શખ્સે ઘણો સમય સુધી હવામાં પિસ્તોલ લહેરાવતા રહીને સૂત્રોચ્ચાર કર્યો હતો. એક ખાનગી ટેલિવિઝન ચેનલના અહેવાલ અનુસાર ગોળીબાર કરનારા આ શખ્સે સૂત્રોચ્ચાર કરતા કહ્યું હતું કે જો હિન્દુસ્તાનમાં રહેવું હોય તો વંદે માતરમ બોલવું પડશે. સાથે જ આ યુવાને જય શ્રી રામનો સુત્રોચ્ચાર પણ ઘણીવાર કર્યો હતો.

માહિતી અનુસાર ગોળી ચલાવનાર બહારથી આવ્યો હતો. ગોળી ચલાવનારાએ કહ્યું હતું કે હું તમને આઝાદી અપાવું છું. તેણે પિસ્તોલ લહેરાવીને કહ્યું દિલ્હી પોલીસ જિંદાબાદ, જામિયા મિલિયા મુર્દાબાદ. ભારે પોલીસ દળ તૈનાત હતું તે વચ્ચે અચાનક ફાયરિંગ થવાથી ઘણા સવાલો ઊભા થયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પુછપરછ કરાઇ રહી છે. જાણકારી અનુસાર ગોળીબાર કરનારનું નામ ગોપાલ છે. ગોળીને કારણે એક વિદ્યાર્થીને ઇજા થઇ છે, તેના હાથમાં ગોળી વાગી છે. તેને હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.