CAA વિરોધ પ્રદર્શન: પોલીસની સામે જ યુવકે જામીયામાં કર્યું ફાયરીંગ, કહ્યું “હું અપાવીશ આઝાદી”

દેશના પાટનગર દિલ્હીમાં સીએએના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન થતા વિવાદ ઓછા થવાનું નામ જ નથી લેતા. ગુરૂવારે જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં સીએએ વિરોધ પ્રદર્શન દરમિયાન એક અજાણ્યા યુવાને ગોળીબાર કર્યો હતો. માહિતી અનુસાર ગોળીબાર કરનારા આ યુવાને કહ્યું હતું કે હું તમને આઝાદી અપાવું છું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબાર કરનારો આ યુવાન બહારથી આવ્યો હતો. તેણે ગોળીબાર કરીને હવામાં પોતાની પિસ્તોલ લહેરાવીને કહ્યું હતું કે દિલ્હી પોલીસ જિંદાબાદ, જામિયા મિલિયા મુર્દાબાદ. પોલીસની સામે જ યુવકે ફાયરીંગ કર્યું હતું.

તેણે કરેલા ગોળીબારમાં સીએએ વિરોધી માર્ચમાં સામેલ એક યુવાન ઘાયલ થયો હતો, તેને હોસ્પિટલમાં દાખલ કરાવાયો છે. ઘાયલ થયેલા વિદ્યાર્થીનું નામ શાદાબ છે. એ ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જામિયાથી રાજઘાટ સુધી સીએએના વિરોધમાં માર્ચ કાઢવામાં આવી હતી. જો કે ગોળીબાર કરવા છતાં જામિયાના વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી અને તેના કારણે રેલી રૂટ પર પોલીસને મોટાપાયે તૈનાત કરવામાં આવ્યા છે.

ગોળીબાર કરનારી આ વ્યક્તિને પોલીસે અટકમાં લીધો છે અને તેની પાસેની પિસ્તોલ પણ જપ્ત કરી લેવામાં આવી છે. પોલાીસનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે અને યુવકની પુછપરછ કરવામાં આવી રહી છે. ગોળીબાર કરનાર શખ્સનો ફોટો પણ પાડી લેવાયો છે અને તેનો એક વીડિયો પણ ટિ્વટર પર ફરતો થયો છે. વીડિયોમાં તે પિસ્તોલ બહાર કાઢીને ગોળીબાર કરતો જોવા મળે છે. યુવકનું નામ ગોપાલ હોવાનું પોલીસે જણાવ્યું છે. ગોળી વાગવાથી એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે અને તેને સારવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.