ફરી કાયદાકીય ગૂંચમાં અટવાઈ નિર્ભયાનાં દોષિતોની ફાંસી, દોષિતોએ ફાંસી પર રોકની કરી નવી અરજી

ફાંસી પાછી ઠેલવા માટે નિર્ભયાના ગુનેગારો કાનૂની કાવાદાવામાં કોઈ કસર બાકી રાખી રહ્યા નથી. મુકેશની કોઈ કારી ન ફાવ્યા બાદ હવે વિનયે પેંતરો અજમાવ્યો છે. દોષિતોના વકીલોએ હવે ફરી એક વાર કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામા દોષિતોએ પહેલી ફેબ્રુઆરીએ થનારી ફાંસી પર રોકની માંગ સાથે દિલ્હી કોર્ટમાં અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે વિનયની ક્યુરેટિવ અરજી સુપ્રીમ કોર્ટ ખારીજ કરી ચૂકી છે. તેની પાસે હવે એકમાત્ર વિકલ્પ દયાની અરજીનો હતો અને તેને પણ તે જતો કરવા માગતો નથી. જો મુકેશની જેમ તેની અરજી પણ નામંજૂર થાય તો તેને પડકારવાનો વિકલ્પ તેની પાસે છે. વાત આટલેથી પૂરી થતી નથી. વિનય બાદ અક્ષય અને પવન નામના દોષિતો પાસે હજી પણ ક્યુરેટિવ પિટિશન અને દયાની અરજીના વિકલ્પો બાકી બચે છે. તેમાં પણ તેને કોઈ રાહત ન મળે તો તેની સામે સર્વોચ્ચ અદાલતમાં જવાનો રસ્તો પણ તેમની પાસે બચે છે.

આ સંજોગોમાં 1 ફેબ્રુઆરીના રોજ ગુનેગારોને ફાંસીનાં માંચડે ટીંગાડવામાં આવે તેવી શક્યતા ઓછી છે. હવે ફરીથી તેમનાં ડેથ વોરન્ટ અને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવી પડશે. આમ નિર્ભયાના બળાત્કારી અને હત્યારાઓને નશ્યતે પહોંચાડવા માટે દેશને વધુ એક તારીખની વાટ જોવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામતી દેખાઈ રહી છે.

રાષ્ટ્રપતિના નિર્ણય ઉપર સવાલ ઉઠાવનારા નિર્ભયા કેસના દોષિત મુકેશને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે અને તેની અરજી ફગાવવામાં આવી છે. રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી રદ કરી હતી. જેના સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હવે મુકેશના તમામ કાયદાકીય વિકલ્પો પૂરા થયા છે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જેલમાં’ અયોગ્ય વ્યવહાર રાષ્ટ્રપતિના નિર્ણયના ફેરવિચારનો મુખ્ય મુદ્દો ન બની શકે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્વારા અરજીના ઝડપી નિકાલનો અર્થ એ નથી કે તેમાં વિવેકનો ઉપયોગ નથી થયો.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દોષિતના વકીલ એપી સિંહે ફરી દયા અરજી રદ થવાની પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, દિલ્હી સરકારે પણ માન્યું હતું કે વિજળીની ગતિએ અરજી ફગાવવામાં આવી છે. હવે મુકેશના કાયદાકીય વિકલ્પો ઉપર પૂર્ણવિરામ લાગી ચુક્યું છે. જો કે બીજી તરફ નિર્ભયા કેસના અન્ય એક અપરાધી અક્ષયે પણ દયા અરજી દાખલ કરી છે. આ મામલે સવાલના જવાબમાં વકીલ એપી સિંહે કહ્યું હતું કે, ક્યૂરેટિવ પિટીશન નવા ગ્રાઉન્ડ ઉપર દાખલ કરવામાં આવી છે.

બીજી તરફ નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, અપરાધીઓ ભલે કેસ લટકાવતા રહે પણ ન્યાય જરૂરથી મળશે. 1 ફેબ્રુઆરીએ ફાંસી જરૂર થશે. તેમણે ઉમેર્યું હતું કે, લાંબી લડાઈ લડી છે અને આગળ પણ લડશે. સાત વર્ષથી રાહ જોઈ છે અને કાયદા ઉપર ભરોસો છે કે ન્યાય મળશે.