કોરોના વાયરસના લીધે ચીનમાં 24 ક્લાકમાં 40ના મોતથી હાહાકાર

ચીનમાં ફેલાયેલા ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસનો હાહાકાર યથાવત રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ આ વાયરસના કારણે વધુ 40 લોકોના મોત થઇ ગયા છે. સાથે સાથે દરરોજ હજારો નવા કેસ સપાટી પર આવી રહ્યા છે. ચીનમાં યુદ્ધના ધોરણે આ વાયરસને રોકવા માટે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કોરોના વાયરસનો કાળો કેર જારી છે. અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 170 લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે અસરગ્રસ્તોની સંખ્યા વધીને 7740 ઉપર પહોંચી ગઇ છે. જે રીતે વાયરસે સકંજો જમાવ્યો છે તે જોતા હાલત કફોડી બનેલી છે. સમગ્ર ચીનમાં કોરોના વાયરસને લઇને વ્યાપક ફફડાટ અને દહેશત છે.

બીજી બાજુ જુદા જુદા દેશો પોતાના નાગરિકોને ખસેડી લેવાની કવાયતમાં લાગેલા છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ડબલ્યુએચઓ દ્વારા પણ કબુલાત કરવામાં આવી છે કે ખતરો અનેક ગણો વધારે છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાયરસ બેકાબુ છે અને મોતને આંકડો વધી રહ્યો છે. ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, જાપાન, વિયેતનામ, સિંગાપોર જેવા દેશોમાં વાયરસે આતંક મચાવી દીધો છે.

આ દેશો બાદ હવે કરોના વાયરસે યુરોપમાં પણ દહેશત ફેલાવી દીધી છે. કોરોના વાયરસના કારણે દહેશત વચ્ચે દુનિયાભરના વિમાનીમથકો પર એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ચીનમાં સત્તાવાર નોંધાયેલા કેસોની સંખ્યા ૭૭૪૦ નોંધાઇ છ. દુનિયાના અનેક દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. જેમાં નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, જાપાન, તાઇવાન, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ અને અમેરિકાનો સમાવેશ થાય છે. તમામ દેશોમાં એરપોર્ટના ચીનથી આવી રહેલા પોતાના નાગરિકો અને પ્રવાસીઓની ઝીંણવટભરી રીતે ચકાસણી થઇ રહી છે. વાયરસની દહેશત એટલી હદ સુધી ફેલાઈ છે કે, વિશ્વભરની એરલાન્યસો દ્વારા ચીનની ફ્લાઈટો ઘટાડી દીધી છે. સાથે સાથે વૈશ્વિક કંપનીઓ દ્વારા ચીનની યાત્રા ન કરવા પોતાના કર્મચારીઓને આદેશ કર્યો છે.