શેરબજારમાં સનસનાટી: જાણીતા શેર ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા સેબીની વરૂણીમાં, સમન્સ મોકલાયું, લાગ્યા આવા ગંભીર આરોપ

દેશના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને ભારતના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ (સેબી) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. સેબીએ તેમના પર ઈનસાઈડર ટ્રેડીંગ જેવા ગંભીર મૂક્યા છે. રાકેશના પરિવારની એજ્યુકેશન કંપની એપ્ટેક લિમિટેડમાં હિસ્સો છે. ઝુનઝુનવાલા પર આ કંપનીના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ છે.

હજુ સુધી રાકેશ ઝુનઝુનવાલા વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. મંગળવારે આ વાત વાયુવેગે પ્રસરી જતા એપ્ટેકના શેરમાં અંદાજે ચાર ટકાનું ગાબડું પડ્યું હતું અને તેનો શેર લગભગ 166 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.

ઇનસાઇડર ટ્રેડિંગ અથવા ઇનસાઇડર ટ્રેડિંગ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ માટેની એક એવી છટકબારી છે કે જેમાં કંપની સાથે સંકળાયેલી વ્યક્તિ તેની કંપની વિશેની ગુપ્ત માહિતી મેળવી તેનો લાભ લે છે અને તેના આધારે તે શેર ખરીદવા અને વેચીને નફો મેળવે છે.

મીન્ટ ન્યૂઝ પેપરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે સેબી આ મામલે ઝુનઝુનવાલાના પરિવારની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. આમાં તેમના ભાઈ રાજેશકુમાર ઝુનઝુનવાલા અને પત્ની રેખા ઝુનઝુનવાલા સામેલ છે. સેબીમાં કંપનીના બોર્ડના સભ્યો રમેશ એસ. દમાની અને દિગ્દર્શક મધુ જયકુમારને પણ આ તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે.

સેબી એક્ટની કલમ II C (5) હેઠળ આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સેબીને કોઈ વ્યક્તિને સમન્સ મોકલવાનો અધિકાર છે.

આ મામલો ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016ની વચ્ચેનો છે જ્યારે ઝુનઝુનવાલાએ કથિત રીતે કંપની વિશેની ગુપ્ત માહિતી મેળવીને ‘ટ્રેડીંગ’ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે 7 સપ્ટેમ્બર- 2016ના રોજ એપ્ટેકના શેરમાં 175.05 રૂપિયાની ઉપલી સર્કિટ હતી. આ દિવસે રાકેશના ભાઈ અને તેમની પત્નીએ એક બ્લોક ડીલ દ્વારા કંપનીમાં 7,63,057 શેર ખરીદ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલા હાલમાં અપ્ટેકમાં 24.24 ટકા હિસ્સો ધરાવે છે જેની કિંમત 160 કરોડ રૂપિયા છે. તેમણે 2005માં પ્રથમ વખત એપ્ટેકમાં 10 ટકા હિસ્સો ખરીદ્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનું સંચાલન રેર એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવે છે, જેમાં તેઓ ભાગીદાર પણ છે. તેમણે કુલ 24 શેરોમાં રોકાણ કર્યું છે અને તેમના પોર્ટફોલિયોની વેલ્યું મૂલ્ય રૂ. 18,000 કરોડ છે. તેમાંથી ટાઇટન, લ્યુપિન અને ક્રિસિલ જેવી કંપનીઓ છે.