CM રૂપાણીએ કહ્યું પોટેટો ઉત્પાનમાં ગુજરાત અગ્રેસર, રૂપાલાએ સુગરલેસ બટાટા ઉગાડવા કર્યું આહવાન

પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ 1999 અને વર્ષ 2008માં થયું હતું.

આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.

આ સંમેલનને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજા સંમેલનની મુખ્ય વાત એ છે કે બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટ ફિલ્ડ ડે એકસાથે ઉજવવામાં આવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફિલ્ડ ડે નાં દિવસે 6,000 ખેડૂતો ખેતરમાં જાય છે એ પ્રશંસનીય બાબત છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન ગુજરાતમાં યોજાયું એ મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે ગુજરાત બટાટાનાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશનું ટોચનું રાજ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લાં 11 વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતર વિસ્તારમાં આશરે 20 ટકાનો વધારો થયો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં એમાં આશરે 170 ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે ઝડપથી પગલાં લઈ રહી છે

પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, ચાલુ મહિનાની શરૂઆતમાં એક નવો રેકોર્ડ થયો હતો અને 6 કરોડ ખેડૂતોનાં બેંક ખાતામાં સીધા રૂ. 12,000 કરોડ હસ્તાંતરિત થયા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, એમની સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ અને અન્ય સ્તરો ઘટાડવાની છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કૃષિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન પણ આપી રહી છે, જેથી સ્માર્ટ અને સચોટ ખેતી માટે ખેડૂતોનો ડેટાબેઝ અને એગ્રિ સ્ટેક્સની જરૂર છે, જેનો ઉપયોગ થઈ શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહેલી ગ્લોબલ પોટેટો કોન્કલેવ-2020નો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. બટાટાની કુલ 4 લાખ ટનની નિકાસમાં ગુજરાત એકલું એક લાખ ટન જેટલો હિસ્સો આપે છે.

તેમણે ગુજરાતના બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બટાટા પાકના વિપૂલ ઉત્પાદનની વિગતો આપતાં કહ્યું કે, બટાટાની ખેતીમાં માઇક્રો ઇરીગેશન અંતર્ગત 1.18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો છે. પાછલા દોઢ દશકમાં બટાટાનું ઉત્પાદન આટ ગણું વધી ગયું છે તેમ જણાવી ઉમેર્યુ કે, 6 લાખ મેટ્રિક ટનથી આ ઉત્પાદન 37 લાખ મે.ટન પર પહોચ્યું છે. બટાટા ઉત્પાદકોને સરકારે કુલ 23 લાખ મે.ટનથી વધુ ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ તથા વાહતુક સબસિડી પેટે 26.66 કરોડ આપ્યા છે.

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંમેલન ગુજરાતની ધરતી પર આયોજીત કરવા બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, શાકભાજીમાં રાજાનું સ્થાન ધરાવતા બટાટાનું ઉત્પાદન સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતમાં છે. કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોની સમજને કારણે આ રાજ્ય બન્યું છે. હજુ બટાટાની ખેતીમા સંશોધનો થાય તે આવશ્યક છે. દેશમાં ડાયાબિટીસના રોગનું પ્રમાણ જોતા ડાયાબિટીસને નિયંત્રીત કરવા માટે પણ કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધનો કરવા જરૂરી છે. બટાટામાં શર્કરાનું પ્રમાણ વધે હોય છે ત્યારે હવે સુગરલેસ બટાટાનું ઉત્પાદન થાય તેવી ખેતી માટેના સંશોધન કરવા પણ રૂપાલાએ કૃષિ સંશોધકોને આહવાન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સંમેલન થકી આવી અનેક સમસ્યાઓના ઉકેલ આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.