દિલ્હીમાં ટકોરા મારતું કરોના વાયરસ, ત્રણ શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં ભરતી, ઉજ્જૈનમાં પણ નોંધાયો કેસ

મુંબઈ-બેંગ્લુરુ અને હૈદ્રાબાદ બાદ હવે દિલ્હીમાં પણ કરોના વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યાછે. ડોક્ટર રામમનોહર લોહિયા હોસ્પિટલના મેડીકલ સુપરિન્ટેન્ડન્ડ ડો. મિનાક્ષી ભારદ્વાજે કહ્યું કે કરોના વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. ત્રણેય દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને તેમના લોહીના નમૂના ટેસ્ટીંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. દિલ્હી ઉપરાંત ચંદીગઢમાં પણ કરોના વાયરસનો કેસ સામે આવ્યો છે.

આરએમએલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.મિનાક્ષી ભારદ્વાજે જણાવ્યું હતું કે ત્રણેય શંકાસ્પદ દર્દીઓની ઉંમર 24 થી 48 વર્ષની વચ્ચે છે અને તેઓને સોમવારે દાખલ કરવામાં આવ્યા છે અને તેમના નમૂનાઓ પૂણે ખાતે આવેલી આઈસીએમઆર-એનઆઈવી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. બે દર્દી દિલ્હી અને એક એનસીઆરનો રહીશ છે.

ત્રણેય દર્દીઓને તાવ તેમજ શ્વાસ અને શ્વાસની તકલીફ ઉપરાંત શરદી અને ખાંસી જેવી તકલીફ છે, અને તકલીફ થતાં દર્દીઓ સારવાર માટે ખુદ હોસ્પિટલમાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં કરોના વાયરસનું જોખમ વધ્યું છે. હાલમાં મુંબઇમાં ચાર અને પુણેમાં બે દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં દાખલ થયા છે. આ સિવાય કેટલાક શંકાસ્પદ દર્દીઓને પટના, જયપુર, બેંગલુરુ, ચંદીગઢ સહિતના અનેક શહેરોની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ કરોના વાયરસનો શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે, તેને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) ને વાયરસની પુષ્ટિ કરવા નમૂનાના પરીક્ષણ માટે પુણે મોકલવામાં આવ્યો છે.

આરોગ્ય અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉજ્જૈનનો રહેવાસી વિદ્યાર્થી ચીનના વુહાનમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે અને ઘરે પરત ફર્યો છે. જ્યારે ભારતના હવાઇમથકો પર ચીનથી પરત આવતા લોકોને સ્ક્રીનની જોગવાઈ કરવામાં આવી હતી, તે પહેલાં આ વિદ્યાર્થી ઉજ્જૈન આવી ચૂક્યા હતો. તે શરદી અને તાવથી પીડાઈ રહ્યો હતો. થોડા દિવસ ઘરમાં રહ્યા બાદ હવે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સેમ્પલ વાયરસની પુષ્ટિ માટે પુણે મોકલવામાં આવ્યો છે.