સરજીલ ઈમામના પરિવારનો નાતો રહ્યો છે ભાજપના જ સાથી પક્ષ સાથે, પિતા લડી ચૂક્યા છે ઈલેક્શન

રાજદ્રોહના આરોપસર પોલીસ જેને શોધી રહી છે તે સરજીલ ઇમામનો રાજકારણ સાથે જૂનો સંબંધ છે. સરજીલના પિતા મોહમ્મદ અકબર ઇમામે બિહારના રાજકારણમાં નસીબ અજમાવ્યું છે. 2005ની વિધાનસભા ચૂંટણીમાં મોહમ્મદ અકબર ઇમામને જહાનાબાદથી ટીકીટ આપવામાં આવી હતી. ફેબ્રુઆરી 2005માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અકબર ઇમામનો પરાજય થયો હતો.

સરજીલ ઇમામના પિતાનાં સંબંધો જેડીયુ સાથે ઓછા છે પરંતુ જેડીયુના જ્હાનાબાદના પૂર્વ સાંસદ અરૂણ કુમાર સાથે વધારે રહ્યા છે. અરુણ કુમાર જે પાર્ટીમાં ગયા અકબર ઈમામ પણ તેમની સાથો સાથ તે પાર્ટીમાં ગયા હતા. અરુણ કુમાર જ્યોર્જ ફર્નાન્ડીઝની સમતા પાર્ટીના સમયે જેડીયુ સાથે સંકળાયેલા હતા. 1999માં તેમણે સમતા પાર્ટીની ટીકીટ પર લડ્યા અને વિજય મેળવ્યો.

બાદમાં અકબર ઈમામ જેડીયુથી અલગ થઈ ગયા. જોકે, નિધન થોડા સમય પૂર્વે જ અકબર ઇમામ જેડીયુમાં પરત આવ્યા હતા. અકબર ઇમામનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. હવે સરજીલ ઇમામના નાના ભાઈ પૂર્વ સાંસદ અરુણ કુમારની પાર્ટી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (સેક્યુલર)ના સભ્ય છે.

સરજીલ ઇમામ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ બદલ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સરજીલને શોધી રહી છે. શનિવારે સરજીલના પટનાના સબઝી બાગ પ્રોટેસ્ટમાં હાજર રહેવાનો હતો, પરંતુ કેસ નોંધાવાને કારણે તે પટના પ્રોટેસ્ટમાં હાજર થયો ન હતો. તેની ધરપકડ માટે ધરપકડ માટે જહાનાબાદનાં કાકોના નિવાસે પોલીસે દરોડા પાડ્યા હતા, પરંતુ તે મળી આવ્યો ન હતો.

સરજીલના કાકા અરશદ ઇમામે જણાવ્યું હતું કે સરજીલે એવું કશું કર્યું નથી, તેમણે માત્ર વિરોધ જ કર્યો છે અને જો પ્રોટેસ્ટ કરવું ગુનો છે તો તે તાત્કાલિક શરણે થઈ જશે. તેમનું કહેવું છે કે સરજીલને રાજકીય કારણોસર ફસાવવામાં આવી રહ્યો છે. સરજીલની માતાએ પણ પુત્રને નિર્દોષ ગણાવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે પૂછપરછ માટે ત્રણ લોકોની અટકાયત પણ કરી હતી. જોકે, પૂછપરછ બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.

સરજીલના પિતા જેડીયુમાં હોવા છતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ કહીને જેડીયુનાએ તેનો બચાવ કર્યો ન હતો. પક્ષના પ્રવક્તા રાજીવ રંજનએ કહ્યું કે કાયદાની નજરમાં જે પણ દોષી છે, તે કોઈ પણ ધર્મ અથવા કોઈપણ પક્ષનો છે, તેને છોડવામાં આવશે નહીં.