હેલ્મેટ: ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબથી વાહનચાલકો અને પોલીસમાં મૂંઝવણ, હવે શું કરવું?

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં હેલ્મેટને લઈ એવો જવાબ આપ્યો છે કે ગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં  મરજિયાત નથી પણ ફરજિયાત છે. બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં એવું નિવેદન કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં હેલ્મેટનો કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી પણ મોકુફ રાખવામાં આવ્યો છે.

હેલ્મેટ અંગે ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં કંઈક અલગ અને જાહેરમાં કંઈક અલગ જ વાત કરવામાં આવી રહી છે. આના કારણે વાહનચાલકો અને ખુદ સરકારના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. હવે પોલીસ હેલ્મેટના કાયદાની અમલવારી કરાવે તો કેવી રીતે કરાવે? વાહનચાલકો પણ સરકારના બેવડા ધોરણોથી અચંબામાં આવી ગયા છે. હેલ્મેટ પહેરવું કે નહીં તેને લઈ વાહનચાલકો માટે મોટી મોકાણ સર્જાયેલી જોવા મળી રહી છે. હવે ગુજરાત સરકાર જાહેરમાં આ અંગે શું જાહેરાત કરે છે કે પછી હાઈકોર્ટના જજમેન્ટની રાહ જોશે એ જોવાનું રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ચોથી ડિસેમ્બર-2019ના દિવસ હેલ્મેટ અંગે જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તેમણે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ચોથી ડિસેમ્બરે ગુજરાતની રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં લાંબી ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ આરસી ફળદુએ તે વખતે જણાવ્યું હતું. હવે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબથી વાહનચાલકો અને પોલીસ એમ બન્ને મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા છે.