આણંદના લેભાગુ કૈલાસે મુંબઈના મહેન્દ્ર સિંઘવીને લોન આપવા 25 લાખના ખાડામાં ઉતારી દીધો

બિઝનેસમાં મોટું નુકસાન જવાથી તેને ફરી ધમધમતો કરવા ઇચ્છતા વેપારીને પંદર કરોડ રૂપિયાની લોન અપાવવાની લાલચે પચીસ લાખ રૂપિયા કથિત રીતે પડાવવા બદલ પોલીસે ગુજરાતના આણંદ શહેરના વેપારીની ધરપકડ કરી હતી.

ડી. બી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ 40 વર્ષીય કૈલાસ અંકુશ વાડકર તરીકે થઈ હતી. સોમવાર સુધીની પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

મુંબઈના વેપારી 37 વર્ષીય મહેન્દ્ર સિંઘવી એ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સિંઘવીને વ્યવસાયમાં ભારે નુકસાન થયું હતું. દેવું વધી રહ્યું હોવાથી પોતાના વ્યવસાયને ફરી ધમધમતો કરવા તે બૅન્ક લોન માટે પ્રયાસ કરી રહ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલાક કોમન ફ્રેન્ડ્સ મારફત તે 2018માં આરોપી વાડકરના સંપર્કમાં આવ્યો હતો. આણંદમાં કંપની ધરાવતો કૈલાસ વાડકર પાંચ વર્ષ માટે 8 ટકાના વ્યાજે લોન મેળવી આપે છે. એના મારફત લીધેલી લોન માટે કોઈ મિલકત કે વસ્તુ મોર્ગેજ રાખવી પડતી નથી, પરંતુ લોનની 6 ટકા રકમ તે પોતાની પાસે રાખી લે છે, એવું ફરિયાદીને જાણવા મળતાં તેણે વાડકરનો મોબાઈલ ફોન પર સંપર્ક સાધ્યો હતો.

વાતચીત દરમિયાન વાડકરે આણંદ શહેરના મોટા જમીનદારની જમીન મોર્ગેજ મૂકીને લોન અપાવવાની ખાતરી ફરિયાદીને આપી હતી. લોન માટે બૅન્ક ગૅરન્ટી અને અન્ય ખર્ચ પેટે પચીસ લાખ રૂપિયા એક બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. ડિસેમ્બર-2019માં સિંઘવીએ 25 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા અને સિક્યોરિટી તરીકે વાડકરે સિંઘવીને કેટલાક ચેક આપ્યા હતા. થોડા દિવસ બાદ વાડકરે બૅન્ક ગૅરન્ટી સંબંધિત માહિતી સિંઘવીના મોબાઈલ પર વ્હૉટ્સઍપ દ્વારા મોકલી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે બાદમાં વાડકરે લોનની પ્રક્રિયા માટે વધુ 41 લાખ રૂપિયા આપવા પડશે, એવું કહ્યું હતું. પરિણામે ફરિયાદીને શંકા ગઈ હતી. તપાસ કરતાં વાડકરે લોન સંબંધિત કોઈ પ્રક્રિયા કરી ન હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું.

આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આણંદ પહોંચેલી પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી વાડકરને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીને છેતરી મેળવેલા રૂપિયામાંથી વાડકરે પોતાનું દેવું ચૂકવી દીધું હતું અને કેટલીક રકમ ઈલેક્ટ્રોનિક્સના વ્યવસાયમાં રોકી હતી. તેની પાસેથી 7 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા હતા.