ગુજરાત ભાજપમાં અસંતોષ અંગે અમિત ચાવડાએ કહી દીધી મોટી વાત: બોલ્યા “25 ધારાસભ્યોમાં છે અસંતોષ”

ગુજરાત ભાજપમાં આંતરિક ડખાઓ ચરમસીમાએ પહોંચ્યા છે. વડોદરા તેનું કેન્દ્રબિંદુ બન્યું છે જ્યાંથી ભાજપને વારંવાર રાજકીય ભૂકંપના આંચકા ખાવાના વારા આવે છે. કોંગ્રેસ પણ પહેલા કેતન ઈનામદાર અને આજે મધુ શ્રીવાસ્તવના કારણે ગેલમાં આવી ગઈ છે.

કેતનના રાજીનામાની વાત પર કોંગ્રેસના નેતાઓએ નિવેદનો આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું.વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ મીડિયા સાથે વાત કરી ભાજપમાં ઈમાનદાર નેતાઓ માટે કોઈ જગ્યા નથી તેવું કહ્યું હતું. તો હવે મધુ શ્રીવાસ્તવના કારણે ભાજપમાં થયેલા ભડકામાં તાપણું શેકવાની કોંગ્રેસે કવાયત આદરી દીધી છે. જેમાં હવે અમિત ચાવડાએ મસમોટું નિવેદન આપ્યું છે કે, ભાજપના 25 જેટલા અગ્રણી નેતાઓ પક્ષથી નારાજ છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યા કે દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા, ઉર્જા, મહેસુલ સહિતના પ્રશ્નો જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસે મધુ શ્રીવાસત્વ દ્વારા અધિકારીઓને માર મારવાની વાતને લઈને પણ નિશાન સાધ્યું અને ધારાસભ્ય જાહેરમાં અધિકારીઓને માર મારવાની વાત કરે છે છતાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોઈ પગલાં કેમ ભરતા નથી તેવા સવાલો કર્યા હતા.

અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં સામાન્ય લોકો માટે કાયદો છે, એનએસયૂ સામે હુમલો કરનારા સામે કોઈ પગલાં નહીં, હાર્દિક સામે જૂનાં કેસ ખોલી તેને જેલ મોકલવામાં આવે છે. પરંતુ જીતુ વાઘાણીનો દીકરો ચોરી કરતાં ઝડપાય તો કોઈ પગલાં નહીં તેવા આક્ષેપો પણ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસે વધુમાં કહ્યું કે ભાજપના 25 ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી હોવાના દાવાઓ પણ કર્યા છે.