” ગંગુબાઈ કાઠિયાવાડી”: કોણ હતી ગંગુબાઈ? કાઠિયાવાડી છોકરી કેવી રીતે બની ગઈ મુંબઈના કમાઠીપુરાના કોઠાની રાણી

બોલીવૂડની પ્રતિભાશાળી હીરોઇન આલિયા ભટ્ટ હવે સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં નજરે પડનાર છે. આ ફિલ્મનો આલિયાનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે. જાહેર થયેલા પોસ્ટરમાં આલિયા ભટ્ટને ગંગુબાઈના જવાનીના દિવસમાં બતાવવામાં આવી છે. પોસ્ટરમાં જોવા મળે છે કે આલિયાએ બાજુમાં પિસ્તોલ રાખી છે. બીજા પોસ્ટરમાં આલિયા બિલકુલ માફિયા ક્વિનના અવતારમાં દેખાઈ રહી છે. જે બ્લેક એન્ડ વ્હાઈટમાં રજૂ થયું છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ હુસેન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ આધારિત છે. સંજય લીલા ભણશાલીની આ ફિલ્મ 11 સપ્ટેમ્બર, 2020ના રિલીઝ થવાની છે.

ગંગુબાઈ અંગે એસ.હુસૈન ઝૈદીએ લખેલા પુસ્તકમાં જણાવાયું છે કે 1940ની આસપાસ 16 વર્ષની છોકરી ગંગાને ફિલ્મી દુનિયા અને મુંબઈની ઝાકમઝોળ લાઈફ સ્ટાઈલની લાલચ આપી રમણિક નામનો યુવાન ફોસલાઈ લગ્ન કરે છે અને મુંબઈના કમાઠીપુરાના કોઠા પર 500 રૂપિયામાં વેચી નાંખે છે. કોઠા પર ગંગા બની જાય છે ગંગુબાઈ. આ ગંગુબાઈ સેક્સ વર્કર બને છે અને અંતે તે રીતે જ 1976-78ની વચ્ચે મૃત્યુ પામે છે.

ગંગુબાઈ માટે કહેવાય છે કે તેને મુંબઈના ડોન કરીમ લાલાએ રાખડી બંધાવી બહેન બનાવી હતી અને શૌકત પઠાનના ક્રુર જાતીય શોષણમાં મૂક્તિ અપાવી હતી. આમ તો ગંગુબાઈ કોઠેવાલી કહેવાતું હતું પણ ગંગુબાઈએ પોતાનું નામ ગંગુબાઈ કાઠિયાવાડી કર્યું હતું. 60ના દાયકમાં ગંગુબાઈ કોર્પોરેટર પણ બની હતી અને એવું કહેવાય છે ગંગુબાઈ પહેલી સેક્સ વર્કર હતી જેણે દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની મુલાકાત કરી હતી. કમાઠીપુરામાંથી કોઠાઓ વિરુદ્વ આંદોલન શરૂ થતાં ગંગુબાઈએ તે વખતે વડાપ્રધાન જવાહરલાલ નેહરુને રજૂઆત કરી હતી તેના માટે તેઓ દિલ્હી પણ ગયા હતા.

એ.હુસૈન ઝૈદીએ લખેલા પુસ્તક માફિયા ક્વિન્સ ઓફ મુંબઈમાં લખ્યું છે કે ગંગુબાઈ કોઠાઓ પર કામ કરતી દરેક સેક્સ વર્કર માટે સન્માનીય બની હતી. દરેક સેક્સ વર્કરના રૂમમાં ગંગુબાઈનો ફોટો અવશ્ય જોવા મળતો હતો.

દેરવિક્રયના ધંધામાં પડ્યા બાદ ગંગુબાઈ ક્યારેય કાઠિયાવાડ પાછા ફરી ન હતી. ગંગુબાઈ કાઠિયાવાડી ટાઈટલ સાથે સંજયલીલા ભણશાળી ફરી એક વખત બોક્સ ઓફીસ પર તરખાટ કરવા આવી રહ્યા છે.