કેતન ઈનામદારને મનાવી લેવા ભાજપના પ્રયાસો, સાવલીમાં રાજીનામાની વણઝાર, કોંગ્રેસે આપી આ ઓફર

ગુજરાત પ્રદેશ ભાજપમાં ભડકો થયો છે. ગઈકાલે વિકાસકાર્યો નહીં થતા હોવાની અને તંત્રના અધિકારીઓ તથા સરકારના મંત્રીઓ ધારાસભ્યોનું સાંભળતા નહીં હોવાની રાવ સાથે ધારાસભ્ય કેતન ઈનામદારે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું મોકલ્યા પછી અન્ય હોદ્દેદારોના રાજીનામાનો દોર શરૃ થયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ઈનામદાર સાથે ફોન પર વાત કરવામાં આવી છે પણ આજે થયેલા વળાંકમાં ઈનામદાર આકરા પાણીએ હોવાનું જણાઈ આવી રહ્યું છે.
વડોદરા જિલ્લાના સાવલીના એમએલએ કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા પછી તેમના સમર્થકો દ્વારા સરકાર અને સંગઠન પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેતન ઈનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ભાજપના 19 સભ્યોએ આજે રાજીનામા આપ્યા છે અને સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 15 સભ્યોએ રાજીનામા આપ્યા છે. તે ઉપરાંત જિલ્લા પંચાયતના ૪ સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદારે ગઈકાલે રાજીનામું આપ્યું હતું અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો હતો. વિકાસ કાર્યો ન થતા હોવાથી તેમજ સરકારના મંત્રીઓ અને તંત્રના અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા નહીં હોવાની ફરિયાદ સાથે તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારપછી કેતન ઈનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના ભાજપમાં રાજીનામાનો દોર શરૃ થયો છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું છે કે, રાજીનામું આપ્યા પછી હવે સરકારે વિચારવાનું રહે છે. ઈનામદાર અડગ રહ્યાં પછી તેના સમર્થનમાં રાજીનામાનો સીલસીલો યથાવત રહ્યો છે. ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને સરપંચો સહિત ટપોટપ રાજીનામા અપાઈ રહ્યાં છે.

છેલ્લા અહેવાલો મુજબ રાજીનામાનો આંકડો 300 ને વટાવી ગયો છે. તો વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે પ્રતિભાવ આપતા કહ્યું છે કે, ભાજપમાં ભારે અસંતોષ છે અને હજુ વધુ રાજીનામા પડશે. તેમણે ઈનામદારને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યુ હોવાના અહેવાલો પણ વહેતા થયા છે. બીજી તરફ મુખ્યમંત્રી રૃપાણીએ કહ્યું છે કે, કેતનભાઈ જે પ્રશ્નો હશે, તે ધ્યાને લેવાશે, તો કેતનભાઈએ નક્કર વચન અપાય તો રાજીનામું પાછું ખેંચવાની તૈયારી બતાવી હોવાના અહેવાલો પણ આવી રહ્યાં છે.