નિર્ભયાના દોષિતોમાં ફાંસીનો ખોફ, અંતિમ ઈચ્છા જાણવા જેલતંત્રના પ્રયાસો

નિર્ભયાના દોષિતોને પહેલી ફેબ્રુઆરીના દિવસે ફાંસી આપવામાં આવનાર છે ત્યારે તેમના મનની વાત જાણવા માટેના પ્રયાસ થઈ રહ્યાં છે. ફાંસી પહેલા તેઓ કોને અંતિમ વખત મળવા માંગે છે. તેમના નામ પર જો કોઈ પ્રોપર્ટી છે તો અન્ય કોઈના નામ પર ટ્રાન્સફર કરવા માટે ઇચ્છુક છે કે કેમ તે બાબત પણ જાણવા માટેના જેલતંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માંગે છે કે કેમ તે અંગે પણ તેમની ઈચ્છા જાણવા માટેના પ્રયાસ થઈ રહ્યાં છે. તો દોષિતો ફાંસીને લઈને ભયભીત છે.

16 ડિસેમ્બર 2012 ના રોજ નિર્ભયા ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. 23 વર્ષીય નિર્ભયા પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને ક્રુર રીતે માર મારવામાં આવ્યો હતો. નિર્ભયાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ પછી દિલ્હી પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી એક સગીર હતો. સગીરને જૂવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે રામસિંહે તિહાર જેલમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ સિવાય બાકીના 4 દોષીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.