કાશ્મીર-હિમાચલમાં ફરી બરફ વર્ષા, ઉત્તર ભારત થીજ્યું, દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ

ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની સ્થિતિ મંગળવારે પણ યથાવત્ રહી છે, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં તાજી બરફવર્ષા થતાં કેટલાક પર્વતીય રસ્તાઓ બંધ થઈ કરવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના કુફરી, મનાલી અને ડેલહાઉસી જેવા મુખ્ય પર્યટન સ્થળોએ શૂન્યથી નીચું તાપમાન નોંધાયું હતું અને હળવો વરસાદ પણ નોંધાયો હતો. વહેલી સવારથી તાજી બરફવર્ષા અને ભારે વરસાદ બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક સ્થગિત થવાના કારણે 1,500 થી વધુ વાહનો, જેમાં મોટાભાગે કાશ્મીરના ટ્રકો રામબાન-બાનિહલ સેક્ટરમાં ફસાયાં હતા.

જો કે નવી દિલ્હીમાં મંગળવારે વાદળછાયા વાતાવરણના કારણે પારો વધ્યો હતો, તેમ છતાં હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે પવનની દિશા બદલાશે અને બુધવારે પર્વત પરથી ઠંડા ઉત્તર પશ્ચિમ પવનો વહેવા લાગશે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે.શહેરમાં લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધુ હતું. હવામાન અધિકારીના જણાવ્યા મુજબ, આગામી બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના છે.

28 જાન્યુઆરીએ એક નવી પશ્ચિમ ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં એકદમ વ્યાપક વરસાદ અને પહાડોમાં હિમવર્ષા થશે તેવી શક્યતા હવામાન નિષ્ણાંતોએ દર્શાવી છે. રાજસ્થાનમાં પણ પારો હવે ગગડવા લાગ્યો છે. અહીં વનસ્થલીમાં 4.7 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં સિમલાનું તાપમાન -10.2 ડિગ્રી પર પહોંચ્યું હતું. કોઠીમાં 20 સેમી, ખદરાલામાં 15 સેમી, સરહાનમાં 13 સેમી, મનાલીમાં 10 સેમી, કુફરી અને કુમરસેનમાં 5 સેમી અને ભારમૌર અને કલ્પામાં 4 સેમી બરફવર્ષા થઇ હતી.