વિમાનના બિઝનેસ ક્લાસમાં જાપાનીઝ મહિલાની પાલતુ સસલીની શાનદાર મુસાફરી

સાન ફ્રાન્સિસ્કોથી ટોકીયો જતી અમેરિકાની યુનાઇટેડ એર લાઇન્સની એક ફ્લાઇટમાં મુસાફરોને એક અદભૂત દૃશ્ય જોવા મળ્યું હતું જેમાં એક માદા સસલાએ પોતાની મહિલા માલિકની સાથે આ વિમાનમાં મુસાફરી કરી હતી અને તે પણ આરામ દાયક એવા બિઝનેસ ક્લાસમાં. તાકાકો ઓગાવા નામની એક જાપાનીઝ મહિલા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ગૂગલની કચેરીમાં પોતાની ત્રણ વર્ષની નોકરી પૂરી કરીને પોતાના વતન જાપાન પાછી ફરી રહી હતી. તે પોતાની સાથે પોતાની પાળેલી કોકો નામની સસલીને પણ લઇ જતી હતી.

નિયમ પ્રમાણે આ સસલીને તેણે કાર્ગો વિમાનમાં જુદી મોકલવી પડે તેમ હતું, પણ ઓગાવાને લાગતું હતું કે આઠ વર્ષની વયની આ સસલી હવે વૃદ્ધ કહી શકાય તેવી છે અને તેને કાર્ગોમાં એકલી મોકલી શકાય તેમ નથી. આથી ઓગાવાએ એર લાઇનને વિનંતી કરી હતી કે તે પોતાની આ સસલીને પોતાની સાથે જ વિમાનમાં રાખવા દે. તેણે આ સસલીની નોંધ ભાવનાત્મક ટેકો આપનાર પ્રાણી તરીકે કરાવી હતી,

આ પ્રકારના પ્રાણીઓને વિમાનમાં સાથે રાખવાની છૂટ કેટલીક અમેરિકન એરલાઇનોએ ડોમેસ્ટિક ફ્લાઇટોમાં આપવાનું શરૂ કર્યું છે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આવા પ્રાણીની પોતાના માલિક સાથે મુસાફરીની આ પહેલા કદાચ છૂટ અપાઇ ન હતી. ઓગાવાને આ છૂટ મળી ગઇ અને તે કોકોને પોતાની સાથે ફ્લાઇટમાં લઇ જઇ શકી. આ સસલી બેને પોતાની માલિકણ સાથે બિઝનેસ ક્લાસમાં મોજથી મુસાફરી કરી. તેણે બો ટાઇ પણ બાંધી હતી અને આરામ દાયક બેઠક પર બેઠી હતી અને પ્યાલામાંથી ખોરાક પણ લઇ રહી હતી અને નજીકમાં શેમ્પેનનો ગ્લાસ પણ હતો જે તેના ઠાઠને ઓર વધારતો હતો! ઘટના ૨૦૧૮ના અંતભાગની છે પણ તેના ફોટા હમણાં વાયરલ થયા છે.