કાર્ડ વિના પણ ICICI બેન્કના ATMમાંથી કાઢી શકાશે રૂપિયા

ICICI બેંકે મંગળવારે કાર્ડ વિના એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત ટ્રાન્ઝેક્શનની મર્યાદા દરરોજ 20,000 રૂપિયા હશે. મંગળવારે બેંકે આ માહિતી આપી હતી. આ સેવાની મદદથી ગ્રાહકો બેંકના 15,000થી વધુ એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકશે. ગ્રાહકો આઇ-મોબાઈલ પર વિનંતી દ્વારા રોકડ ઉપાડી શકે છે.

ICICI બેંકે નિવેદનમાં જણાવ્યું કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના રોકડ ઉપાડવાની સરળ અને અનુકૂળ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાનો ઉપયોગ જ્યારે ગ્રાહક ડેબિટ કાર્ડ રાખવા માંગતા ન હોય ત્યારે થઈ શકે છે. આ સુવિધા અંતર્ગત દૈનિક વ્યવહાર મર્યાદા 20,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ગયા વર્ષે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પણ પોતાના ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી હતી. SBIના ગ્રાહકો યોનો એપ્લિકેશનની મદદથી ડેબિટ કાર્ડ વિના પૈસા ઉપાડી શકે છે.આ સુવિધા ખૂબ જ સરળ તેમજ સલામત છે. ડેબિટ કાર્ડ દ્વારા છેતરપિંડીની વધતી ફરિયાદોને પગલે બેંકો કાર્ડલેસ સુવિધા પર ભાર આપી રહી છે.