ધૂળના તોફાનથી ઓસ્ટ્રેલિયામાં દિવસના અંધારપટ

ન્યૂ સાઉથ વેલ્સમાં ધૂળનું તોફાન આવ્યું તે દરમિયાનની અદભુત તસવીરો સામે આવી હતી. ડ્યુબ્બો અને પાર્કેસના નિવાસીઓએ ધૂળના તોફાનની તસવીરો શેર કરી હતી જે તેમના શહેર પરથી પસાર થયું હતું અને દિવસને રાતમાં ફેરવી નાંખ્યો હતો.

ધૂળના વાદળને ‘હબૂબ’ કહેવામાં આવે છે જે વાવાઝોડા પછી બનતા હોય છે. તસવીરમાં દેખાય છે કે આકાશમાં ધૂળના વાદળ છવાયેલા છે અને તે આગળ વધી રહ્યા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું ધૂળના તોફાન દરમિયાન ડ્યુબોમાં 107 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાયો હતો.

ઓસ્ટ્રેલિયામાં કેનબેરાને ધમરોળ્યા બાદ સુપરસેલ તોફાન સીડની પર ત્રાટક્યું

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠે ગાજવીજ સાથેનું એક વાવાઝોડું ફૂંકાયું હતું અને દેશની રાજધાની કેનબેરામાં તરખાટ મચાવ્યા બાદ આ તોફાન સીડની શહેર પર ત્રાટક્યું હતું. કેનબેરામાં તો આ તોફાન દરમ્યાન ગાજવીજ સાથે વરસાદની સાથોસાથ કરા વર્ષા પણ થઇ હતી. મોટા કદના કરાઓ પડતા ઘરો, મોટર કારો અને ધંધાકીય સ્થળોને નુકસાન થયું હતું. કેનબેરામાં વ્યાપક નુકસાન સર્જયા બાદ આ તોફાન સિડની પર પણ ત્રાટક્યું હતું. બ્લુ માઉન્ટેઇન વિસ્તારમાં બે જણા પર વીજળી પડી હતી જેમાં આજે બપોરે બે વાગ્યાના સુમારે ૧૬ વર્ષના એક છોકરા પર વીજળી પડવાથી તેને પેટ, હાથ અને પગના ભાગે ઇજાઓ થઇ હતી જ્યારે એક ૨૪ વર્ષના યુવાનને પણ વીજળી પડવાથી થયેલી ઇજાઓ બદલ સારવાર આપવામાં આવી હતી. બંનેને નેપીયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.