ઓસ્ટ્રેલિયન ઓપન : સેરેના વિલિયમ્સનો ગ્રાન્ડસ્લેમમાં 350મો વિજય, શાપોવાલોવ, બોર્ના કોરિચ અને સ્ટીફન્સ અપસેટનો શિકાર

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના ધુમાડા અને વરસાદ વચ્ચે આજથી શરૂ થયેલી વર્ષની પહેલી ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં સોમવારે સેરેના વિલિયમ્સે 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાની પોતાની આશાની સાથે પહેલા રાઉન્ડમાં રશિયાની એનાસ્તાસિયા પોટાપોવાને હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો. ગ્રાન્ડસ્લેમ મેચમાં સેરેના વિલિયમ્સનો 350મો વિજય રહ્યો હતો. સેરેનાએ પોટાપોવા સામેની મેચમાં પહેલો સેટ માત્ર 19 મિનીટમાં જીતવા સાથે આ મેચ માત્ર 58 મિનીટમાં જ 6-0, 6-3થી જીતી લીધી હતી.

પહેલા દિવસે પુરૂષ વિભાગમાં 2 અને મહિલા બંને વિભાગમાં 1 અપસેટ જોવા મળ્યા હતા, જેમાં પુરૂષ વિભાગમાં 13માં ક્રમાંકિત ડેનિસ શાપોવાલોવ અને 25માં ક્રમાંકિત બોર્ના કોરિચ જ્યારે મહિલા વિભાગમાં 24મી ક્રમાંકિત સ્લોએન સ્ટીફન્સ અપસેટનો શિકાર બનીને પહેલા રાઉન્ડમાંથી જ આઉટ થયા હતા. શાપોવાલોવને હંગેરીના માર્ટન ફુક્સોવિક્સે 6-3, 6-7, 6-1, 7-6થી હરાવ્યો હતો. જ્યારે ક્રોએશિયાના બોર્ના કોરિચને સેમ ક્વેરીએ 6-3, 6-4, 6-4થી હરાવ્યો હતો, આ ઉપરાંત અમેરિકન સ્ટીફન્સને ચીનની બિન ક્રમાંકિત ઝાંગ શૂઆઇએ 2-6, 7-5, 6-2થી હરાવી હતી. આ સિવાય મહિલા વિભાગમાં 14મી ક્રમાંકિત સોફિયા કેનિને ઇટલીની માર્ટિના ટ્રેવિસાનને 6-3, 6-4થી જ્યારે ક્રોએશિયાની 13મી ક્રમાંકિત પેટ્રા માર્ટિચે અમેરિકાની ક્રિસ્ટીના મેકહાલેને 6-3, 6-0થી અને 7મી ક્રમાંકિત પેટ્રા ક્વિટોવાએ સિનિયાકોવાને 6-1, 6-0થી હરાવીને આગેકૂચ કરી લીધી હતી.