બે દિવસ, સાત ક્લાકની લાંબી રાહ જોયા બાદ કેજરીવાલે ફાઈલ કર્યું નોમિનેશન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને ગરમી ચરમસીમા પર પહોંચી ચૂકી છે. આ રાજકીય ગરમીની વચ્ચે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કેજરીવાલ સવારમાં પરિવારના તમામ સભ્યો અને નજીકના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે સંબંધિત ઓફિસમાં પહોંચી ગયા હતા. ઉમેદવારી નોંધવાતા પહેલા કેજરીવાલે સાત ક્લાક લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. તેમને 45 નંબરનું ટોકન આપવામાં આવ્યું હતું.

ગઇકાલે સોમવારના દિવસે રોડ શો દરમિયાન સમયસર ન પહોંચવાના કારણે ઉમેદવારી પત્ર ભરી શક્યા ન હતા. જો કે આજે નામ નોંધવવાના છેલ્લા દિવસે કેજરીવાલે ઉમેદવારી નોંધાવી હતી. કેજરીવાલ ફરી એકવાર દિલ્હીમાં સત્તામાં વાપસી કરવા માટે આશાવાદી છે. પરિવારની સાથે કેજરીવાલ સવારે ઓફિસ પહોંચી ગયા હતા.

કેજરીવાલે કહ્યું હતું કે તેમના હેતુ ભ્રષ્ટાચારને હરાવવા અને દિલ્હીને આગળ લઇ જવાનો રહ્યો છે. નવી દિલ્હી સીટ પરથી કેજરીવાલે ઉમેદવારી નોંધાવી હતી. કેજરીવાલની સામે કોંગ્રેસ અને ભાજપને યોગ્ય ઉમેદવાર મળી રહ્યા નથી.

ઉમેદવારી પત્ર ભરવામાં વિલંબ અંગે આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. આપે ભાજપ દ્વારા ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.અંત મોડી સાંજે કેજરીવાલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

અરવિંદ કેજરીવાલે ગઇકાલે રોડ શો કરીને તેમની તાકાતનો પરિચય આપ્યો હતો. સમર્થકોને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ લોકોને મળતા આગળ વધ્યા હતા. નવીદિલ્હી વિધાનસભા સીટ પરથી અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.

પ્રથમ વખત 2013માં તેઓએ આ ચૂંટણી લડી હતી. અહીં મુખ્યમંત્રી શીલા દીક્ષિતને 25 હજાર મતે હાર આપી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે વધારે સમય રહ્યો નથી ત્યારે હવે તમામ તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ગયા છે.

આ વખતે દિલ્હીમાં ભાજપ અને એએપી વચ્ચે સીધી સ્પર્ધા દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી પણ તેની ગુમાવેલી પ્રતિષ્ઠાને હાંસલ કરવા માટે ઇચ્છુક છે. શિલા દીક્ષિતના અવસાન બાદ કોંગ્રેસ પાર્ટી પાસે કોઇ મજબૂત નેતા નથી છતાં પાર્ટી નવા નેતાઓ ઉપર આધાર રાખીને આગળ વધવા માટે ઇચ્છુક છે. કેજરીવાલની આ વખતે કસોટી છે. મોદી ,અમિત શાહની હાજરીમાં તેમની પરીક્ષા થશે.