રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં વધારો, મની લોન્ડ્રીંગ કેસમાં વાડ્રાની નજીકના મનાતા બિઝનેસમેનની ધરપકડ

વિદેશી સંપત્તિના મામલામાં મની લોન્ડરિંગની તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભારતીય ઉદ્યોગપતિ સી.સી.થંપીની ધરપકડ કરી છે. ધરપકડ અંગે ઈડીના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી.

ઇડીના અધિકારીએ આઈએએનએસને જણાવ્યું હતું કે રોબર્ટ વાડ્રાની વિદેશી સંપત્તિના મામલાની તપાસના સંદર્ભમાં શુક્રવારે સાંજે થંપીની નવી દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે વાડ્રા કેસની તપાસના ભાગરૂપે થંપીની ધરપકડ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડમાં 1.9 મિલિયન પાઉન્ડ વિદેશી સંપત્તિના નાણાંની લોન્ડરીંગ મામલે વાડ્રા સામે તપાસ ચાલી રહી છે.

ઇડીના અધિકારીએ ખુલાસો કરતાં જણાવ્યું કે તપાસ દરમિયાન વાડ્રા સંબંધિત કેટલાક લોકોએ આ સંપત્તિ અન્ય દેશોમાં પણ ખરીદી છે. ઇડીને શંકા છે કે 2009માં થંપી દ્વારા પેટ્રોલિયમ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે એપ્રિલમાં એજન્સી દ્વારા થંપીની પૂછપરછ કરવામાં આવી હતી.

ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાડ્રા અને થંપીના નિવેદનોના વિરોધાભાસને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 6 ફેબ્રુઆરીએ પૂછપરછ દરમિયાન વાડ્રાએ ઇડીને જણાવ્યું હતું કે તે અમિરાતની ફ્લાઇટ દરમિયાન થંપીને વિમાનમાં મળ્યો હતો.

જ્યારે થંપીએ ઇડી સમક્ષ કરેલા નિવેદનમાં કહ્યું હતું કે તેઓ સોનિયા ગાંધીના અંગત સચિવ માધવન દ્વારા વાડ્રાને મળ્યા હતા. બંનેના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. વાડ્રાને પૂછવામાં આવ્યું કે તેઓ લંડનમાં 12 બ્રેન્સન સ્ક્વેર (બીએસક્યૂ) મિલકતો વિશે જાણતા હતા. તો આ અંગે વાડ્રાએ ઈડીને કહ્યું હતું કે આ સ્થળે તેઓ કદી ગયા નછી. જ્યારે થંપીએ કહ્યું કે વાડ્રા લંડનમાં 12 બીએસક્યુમાં રોકાયા હતા.