નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે ફગાવી દોષી પવનની અરજી, નહીં ટકી શકી સગીર હોવાની દલીલ

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિત પવનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને અરજીમાં જણાવ્યું હતું કે જ્યારે ઘટના બન ત્યારે તે સગીર હતો. આ કેસમાં કોર્ટે અરજદારની અપીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ કેસમાં પહેલાથી ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી દલીલો થઈ ચુકી છે. આવી સ્થિતિમાં ફરી આ મામલો ઉઠાવવાનો કોઈ અર્થ નથી. દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિત પવનની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કડક ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સોમવારે દોષી પવનની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. પવને અરજી કરી હતી કે ઘટના સમયે તે સગીર હતો. પવનના વકીલનું કહેવું છે કે ઘટના સમયે દોષિત સગીર હતો તે વાતની પોલીસ અને કોર્ટે અવગણના કરી છે. પવનના વકીલ એ.પી.સિંહે દલીલ કરી હતી કે શાળાના પ્રમાણપત્ર મુજબ પવનની જન્મ તારીખ 8 ઓક્ટોબર 1996 છે.

આ દલીલ અંગે કોર્ટે સવાલ ઉઠાવ્યો કે તમે 2017માં આ પ્રમાણપત્ર મેળવ્યું, તે પહેલાં તમને કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ અંગે એ.પી.સિંહે કહ્યું હતું કે પોલીસે જાણી જોઈને પવન સગીર હોવાનો રેકોર્ડ છુપાવ્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સમીક્ષાની અરજીમાં આ તમામ દલીલો રાખવામાં આવી છે.