યમનની સૈન્ય છાવણીની મસ્જિદ પર હુમલો, 80 સૈનિકોનાં મોત

યમનની સૈન્ય છાવણીની મસ્જિદ પર મિસાઇલ અને ડ્રોન હુમલામાં 80 સૈનિકો માર્યા ગયા છે. મારીબમાં આ હુમલા માટે ઈરાન સમર્થિત હૌતી બળવાખોરોને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હૌતી અને યમન સરકાર વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેટલાક મહિનાની શાંતિ બાદ આ હુમલો શનિવારે થયો હતો.

યમન સરકારને સાઉદી અરબની આગેવાની હેઠળના સૈન્ય ગઠબંધનનું સમર્થન છે. હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે આ વિસ્તારમાં પહેલાથી તનાવ છે. ઇરાકમાં યુ.એસ.ના હવાઇ હુમલામાં કમાન્ડર સુલેમાનીની હત્યા બાદ તેહરાન દ્વારા યુ.એસ. સૈન્ય મથકો ઉપર રોકેટ હુમલો કરવામાં આવતાં તનાવ વધ્યું છે.

લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે હૌતી વિદ્રોહીઓએ સનાના આશરે 170 કિમી પૂર્વમાં મારીબ ખાતે સાંજની નમાઝ દરમિયાન લશ્કરી છાવણી પર હુમલો કર્યો. આ હુમલામાં ઈજાગ્રસ્તોને મારીબ શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રએ જણાવ્યું છે કે શનિવારે થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

આ હુમલાના એક  દિવસ પહેલાં ગઠબંધન સમર્થિત સૈન્ય દળોએ સનાના ઉત્તરમાં નાહમ વિસ્તારમાં હૌતી બળવાખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી હતી. સત્તાવાર સંવાદ સમિતિ સબાના જણાવ્યા અનુસાર લશ્કરી સૂત્રએ જણાવ્યું હતું કે નાહમમાં આ અથડામણ રવિવારે પણ ચાલુ રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે હૌતીના ડઝનેક લોકો પણ માર્યા ગયા હતા.