૩ડી એનિમલ કેક્સ, એવું લાગશે કે જાણે જીવતા પ્રાણીઓને ખાઇ રહ્યા છીએ

બ્રિટનના લેન્કેશાયરમાં રહેતી મોલી રોબિન્સન છેલ્લા કેટલાક સમયથી થ્રીડી એનિમલ કેક્સ બનાવે છે. આ બધી કેક તેઓ વિવિધ પશુઓ અને પાળેલા પ્રાણીઓના આકારની બનાવે છે અને તે એટલી આબેહૂબ લાગે છે કે જાણે સાચા પ્રાણીઓ જ હોય.

મોલી રોબિન્સન આમ તો કોઇ તાલીમબદ્ધ બેકર નથી. તે પહેલા એક મેક-અપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. પછી તે જાતે જ બેકીંગનું કામ શીખી અને બેકરી પ્રોડક્ટસ બનાવવા લાગી. તેણે વિવિધ આકારની કેક બનાવવામાં અદભૂત કૌશલ્ય પ્રાપ્ત કર્યું અને તે વિવિધ પશુઓના ત્રિપરિમાણીય આકારની એવી અદભૂત કેક્સ બનાવે છે કે સામે સાચા પશુઓ જ બેઠા હોય તેમ લાગે. તે પાળેલી બિલાડીઓ, કૂતરાંથી માંડીને સ્લોથ અને પાંડા જેવા જંગલી પ્રાણીઓના દેખાવની પણ ૩ડી કેક બનાવે છે.

જિરાફ, વાંદરા અને હાથીઓના આકારની પણ કેક્સ તે બનાવે છે. તેની આ ૩ડી એનિમલ કેક્સ એટલી આબેહૂબ લાગે છે કે કેટલાક લોકોને તો આ કેક ખાતી વખતે એવો ભ્રમ થાય છે કે પોતે જાણે જીવતા પ્રાણીઓને જ ક્રૂરતાપૂર્વક ખાઇ રહ્યા હોય! રોબિન્સનની આવી કેક્સ એટલી પ્રખ્યાત થઇ ગઇ છે કે તે આવી કેક બનાવવા માટેની તાલીમ આપવા વિશ્વના અનેક દેશોનો પ્રવાસ પણ કરવા લાગી છે. તે કહે છે કે પાળેલા કૂતરાની રેપ્લિકા સૌથી વધુ લોકપ્રિય છે, પણ લોકો ઘણી વાર તે ખાતા અચકાય છે કારણ કે તે બિલકૂલ કૂતરાં જેવી જ દેખાય છે.