નિર્ભયા કેસ: દોષિત વિનયનો ફાંસી પહેલાં ગળે ફાંસો ખાવાનો નિષ્ફળ પ્રયાસ

તિહાર જેલમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સીસી ટીવી કેમેરા મૂક્યા હોવા છતાં પણ નિર્ભયાના દોષિત વિનય શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેલ સૂત્રો અને વિનયના વકીલ એપી સિંહના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવાર સવારની છે. સુરક્ષાકર્મીઓએ યોગ્ય સમયે તેને બચાવી લીધો હતો અને તે હાલ  બચી ગયો હતો.

જો કે જેલ સુપ્રિટેન્ડેન્ટ સંદીપ ગોયલે આવી કોઈ ઘટના ઘટી હોવાની વાતને નનૈયો ભણ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિનયને જેલના મેડિકલ ઈન્સ્પેક્શન રૃમમાં 24 કલાક ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના પછી ગુરુવારના વિનય અને જેલ નંબર-2માં કેદ મુકેશ, અક્ષય અને પવનને જેલ નંબર ત્રણમાં ફાંસી ઘરની પાસે આવેલા હાઈ સિક્યોરીટી સેલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ આદેશ 9 જાન્યુઆરીના આપવામાં આવ્યો હતો, પરંતુ ગુરુવાર સુધી તેને અમલમાં મૂકવામાં આવ્યો નહતો. વિનય જેલ નંબર ચારના સિંગલ રૃમમાં બંધ હતો. તેના રૃમ અને ટોયલેટ વચ્ચે ફક્ત એક જ પરદો છે. બુધવાર સવારે 9.10 વાગ્યાની આસપાસ તેણે કપડા અને ગમછાથી ફંદો બનાવીને તેમાં લટકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ આ ફંદો પાંચ-છ ફૂટની ઊંચાઈ પર જ હોવાના કારણે તે લટકી શકતો નહતો અને આ દરમિયાન જ અન્ય કોઈ કેદીએ સુરક્ષાકર્મીઓને આ અંગે જાણ કરી દીધી હતી.