એમેઝોન 2025 સુધીમાં 70 હજાર કરોડના ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટની નિકાસ કરશે : જેફ બેઝોસ

એમેઝોનના અધ્યક્ષ જેફ બેઝોસ હાલમાં ભારતની ત્રણ દિવસના પ્રવાસે છે. બુધવારે તેમણે કહ્યું હતું કે કંપની પોતાની વૈશ્વિક પહોંચ દ્વારા 2025 સુધીમાં 10 અબજ ડોલર (70 હજાર કરોડ રૂપિયા)ના મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટસની નિકાસ કરશે. આ ઉપરાંત સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝેસને ડિઝિટલ બનાવવા માટે 1 અબજ ડોલર (અંદાજે 7000 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે, તેનાથી આ કંપનીઓ ઓનલાઇન વેપારમાં ઝંપલાવી શકશે. જેફ બેઝોસ મંગળવારે ભારત પહોંચ્યા હતા. ભારત અને અમેરિકાના પરસ્પરનાં સંબંધો મામલે તેમણે કહ્યું હતું કે 21મી સદી મટે એ ખાસ મહત્વપૂર્ણ છે અને એ સદી ભારતની રહેશે. જાણકારી અનુસાર તેઓ આજે ઘણાં મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી શકે છે.

આ પહેલા એમેઝોન ભારતમાં 5.5 અબજ ડોલરની નિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી ચુક્યો છે. અમેરિકાની બહાર ભારત એમેઝોન માટે સૌથી મહત્વપૂર્ણ બજાર છે. બેઝોસે કહ્યું હતું કે અમે ભારત સાથે લાંબા ગાળાની ભાગીદારી બાબતે કટિબદ્ધ છે. અમે કહેવા કરતાં કરવામાં વધુ વિશ્વાસ કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે એમેઝોનનું માનવું છે કે આ રોકાણથી લાખો લોકોને દેશની ભાવિ સમૃદ્ધિના ભાગીદાર બનાવી શકાશે. જેફ બેઝોસ હાલમાં એવા સમયે ભારતના પ્રવાસે છે, જ્યારે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા અપાતી ભારે છૂટ અને અન્ય બાબતોની તપાસના આદેશ કર્યા છે. આ ઉપરાંત નાના દુકાનદારો ઓનલાઇન કંપનીઓની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે. ગત વર્ષે જ સરકારે વિદેશી રોકાણ ધરાવતી ઇ કોમર્સ કંપનીઓ માટેના નિયમો આકરા બનાવ્યા હતા.

અમેઝોનના કાર્યક્રમ મોડો શરૂ થવાથી નારાજ નારાયણ મૂર્તિએ 20 મિનીટની સ્પીચ માત્ર 5 મિનીટમાં જ પુરી કરી કહ્યું, હું આ બધાથી ટેવાયેલો નથી

ઇન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ બુધવારે અમેઝોન સંભવ સમિટમાં સામેલ થયા હતા. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક મોડો શરૂ થયો હતો, તેના પર નારાયણ મૂર્તિએ નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે હું આવી બાબતોથી ટેવાયેલો નથી. તે પછી નારાયણ મૂર્તિએ પોતાના માટે ફળવાયેલી 20 મિનીટ છતાં પોતાની સ્પીચ ટુંકાવીને માત્ર 5 મિનીટમાં જ પુરી કરી નાખી હતી. તેમણે કહ્યું હતું કે આપણાને દોઢ કલાક મોડું થયું છે. મારે 20 મિનીટ સુધી બોલવાનું હતું પણ હવે હું મારી વાત 5 મિનીટમાં પુરી કરીશ.