ઈન્ટરનેશનલ પ્રેશર સામે ઝૂક્યું ઈરાન, પ્લેન ક્રેશ મામલે ઈરાનમાં ધરપકડનો દૌર

અમેરિકા પર મિસાઈલ મારો કરવાની ઈરાન આકરી કિંમત ચૂકવી રહ્યું છે. અમેરિકાના સૈન્ય પર મિસાઈલ મારો કરતી વખતે યુક્રેન જઈ રહેલા પ્લેન પર મિસાઈલ છોડી દેવામાં આવી હતી અને તેમાં સવાર તમામ 180 પ્રવાસીઓના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મોટાભાગના પ્રવાસીઓ ઈરાનના હતા. પ્લેન ક્રેશ કરવાની ઘટનામાં ઈરાન પર ઈન્ટરનેશનલ પ્રેશર ઉભૂં થયું છે.

ઇરાને મંગળવારે જાહેરાત કરી હતી કે યુક્રેનિયન વિમાનને નીચે ઉતારવા બદલ ગત સપ્તાહે તેહરાનમાં પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી. જોકે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તે જણાવવામાં આવ્યું નથી. છેલ્લા ત્રણ દિવસથી ઈરાનમાં સતત દેખાવો ચાલુ છે. વિરોધ કરનારાઓ પણ ‘સરમુખત્યારની મોત’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનને બુધવારે ઉડાન ભર્યાની મીનીટોમાં મિસાઇલથી તોડી પાડવામાં આવ્યું હતું.

તેહરાને ઘણા દિવસોથી પશ્ચિમના લોકોના દાવાને ફગાવી દીધા છે કે બોઇંગ 737ને મિસાઇલથી ક્રેશ કરવામાં આવ્યું હતું. પરંતુ ગયા શનિવારે વિમાનને તોડી પાડવામાં આવ્યું હોવાની કબૂલાત કરી હતી. ટેલિવિઝન પર પ્રસારિત પ્રેસ કોન્ફરન્સમાં ઈરાનની ન્યાયપાલિકાએ ધરપકડની ઘોષણા કરી, પરંતુ કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી તે જણાવ્યું નહીં.

પ્રવક્તા ગુલામ હસન ઇસ્માઇલીએ કહ્યું, “વિસ્તૃત તપાસ કરવામાં આવી છે અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.” આના થોડા સમય અગાઉ રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર લોકોને સજા થવી જોઈએ. રુહાનીએ કહ્યું, “આપણા લોકો માટે મહત્વપૂર્ણ છે કે આ ઘટનામાં કોઈની લાપરવાહી કે ભૂલ હોય તેને ન્યાયનો સામનો કરવો પડશે.

ઈરાનનાં રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું, “જે પણ આના માટે જવાબદાર છે તેને દંડિત કરવામાં આવશે. ન્યાયપાલિકાએ ઉચ્ચ કક્ષાના ન્યાયાધીશો અને ડઝનેક નિષ્ણાતોની બનેલી વિશેષ અદાલતની રચના કરવી જોઈએ. આખું વિશ્વ નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું, ‘શક્ય નથી કે બટન દબાવનાર વ્યક્તિની જ ભૂલ હતી. અન્ય લોકો પણ છે, અને હું લોકોને આ કહેવા માંગુ છું. ઈરાન પર આ દુ: ખદ ઘટનાની સંપૂર્ણ અને પારદર્શક તપાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.