સુરત ગેંગવોર: વોન્ટેડ મહેતાબ ભૈયાએ ખાનગી હોસ્પિટલમાં લીધી સારવાર, સામે આવ્યા સીસીટીવી ફૂટેજ, જૂઓ

શનિવારે મોડી રાત્રે સુરતનો રામપુરા વિસ્તાર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. અશરફ નાગોરી અને મહેતાબ ભૈયા વચ્ચે ગેંગવોર ફાટી નીકળી હતી. ગેગવોર ફાટી નીકળવાનું કારણ મહેતાબે મિત્રની પત્ની સાથે કરેલા લગ્ન કારણભૂત હતા. મહિલા જેની પત્ની હતી તે અશરફ નાગોરીનો અંગત મિત્ર હતો અને મહેતાબે તેને ભગાડી લઈ જઈ લગ્ન કર્યા હતા. આ મામલે બન્ને વચ્ચે ચકમક ઝરી હતી અને અંતે પરિણામ એ આવ્યું કે ફાયરીંગ કરવા સુધી વાત પહોંચી ગઈ હતી.

અશરફ નાગોરી સુરતમાં કુખ્યાત તત્વ તરીકે પંકાયેલો છે અને મહેતાબ ભૈયા પણ કોસાડમાં કુખ્યાત છે. એક સમયે બન્ને સાથે કામ કરતા હતા. મહેતાબે આ અગાઉ સગરામપુરા ભાઈલોગ બનીને ફરતા સુરતી સાથે પણ કામ કર્યું હતું. પણ મિત્રની પત્ની સાથે અફેર કરી મહેતાબે નિકાહ પઢી લેતા અશરફ અને મહેતાબ વચ્ચે વેરઝેરના બીજ રોપાયા હતા.

જૂઓ વીડિયો…

સુરત પોલીસે કહ્યું હતું કે ઘટનામાં કોઈ ઈજા પહોંચી નથી પણ ઘટના પછી વોન્ટેડ થયેલા મહેતાબ ભૈયાનું સીસીટીવી ફૂટેજ મીડિયાને હાથ લાગ્યો છે. આ સીસીટીવી ફૂટેજમાં મહેતાબ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો હોવાનું સ્પષ્ટ દેખાય છે અને તેને હાથમાં પટ્ટો હોવાનું પણ જોઈ શકાય છે. મહેતાબની સાથે અન્ય એક ઈસમ પણ જોવા મળે છે.

હાલ મહેતાબ પોલીસ પકડથી દુર છે જ્યારે પોલીસે અશરફ નાગોરીની ધરપકડ કરી છે. સુરતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની ગેંગવોર શરૂ થઈ હોવાનું વિદિત થઈ રહ્યું છે. પોલીસે અશરફ નાગોરીની આકરી પૂછપરછ શરૂ કરી છે.