મોંઘવારી દરમાં ભરપૂર તેજી: એક મહિનામાં 1.81 ટકાનો ઉછાળો, ડિસેમ્બરમાં છૂટક ફૂગાવો પહોંચ્યો 7.35 ટકાએ

ડિસેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 7.35 ટકા થયો છે. સરકારી આંકડા મુજબ ડિસેમ્બર 2018માં આ આંકડો 2.11 ટકા હતો. નવેમ્બર 2019માં છૂટક ફુગાવાનો દર 5.54 ટકા હતો. એક મહિનામાં ફુગાવામાં 1.81 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે ફુગાવામાં આશરે 5.24 ટકાનો વધારો થયો છે.

જુલાઈ 2016 પછી ડિસેમ્બર-2019 પહેલો મહિનો છે જ્યારે ફુગાવાનો દર રિઝર્વ બેંકની ટોચની મર્યાદા (2-6 ટકા) વટાવી ગયો છે. ઓક્ટોબરમાં ફુગાવો 4.62 ટકા હતો, જે નવેમ્બરમાં વધીને 5.54 ટકા થયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી ડુંગળીના ભાવ આસમાને ચડી ગયા છે.

ડિસેમ્બરમાં ડુંગળી ઘણા અઠવાડિયાથી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઇ રહી હતી. ડુંગળીનો બજાર દર હજી પણ 60 રૂપિયા પ્રતિ કિલોની નજીક છે. મોંઘવારી વધવા પાછળ મોંઘી ડુંગળી પણ એક મુખ્ય પરિબળ માનવામાં આવે છે.

માહિતી અનુસાર ડિસેમ્બરમાં ફૂડ ફુગાવો વધીને 14.12 ટકા થયો છે. નવેમ્બરમાં તે 10.01 ટકા હતો. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંકને ફુગાવાના દરને ચાર ટકા રાખવાનું કહ્યું છે અને બે ટકાનું માર્જિન રાખ્યું છે. એટલે કે ઉચ્ચ સ્તરે 6 ટકા અને નીચલા સ્તરે બે ટકા સુધીનું માર્જિન હોવું જોઈએ.