પવનની ઐસી કી તૈસી: પતંગ ચગાવવા ગુજ્જુઓમાં થનગનાટ, આટલા કરોડના પતંગ વેચાઈ ગયા

દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે સમગ્ર ગુજરાતમાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. હવામાન ખાતાએ ભલે કહ્યું હોય કે પતંગ ચગે તેટલો પવન નહીં હોય પણ ગુજ્જુઓએ પતંગ ચગાવવા તડામાર તૈયારીઓ કરી દીધી છે. અમદાવાદ, વડોદરા,રાજકોટ અને સુરત સહિત જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં મોટાપાયા પર ઉત્તરાયણની તૈયારીઓ કરવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગરનું કરોડો રૂપિયાનું પતંગબજાર છે. આ એવો સીઝનલ ધંધો છે જેમાંથી વેપારી ટૂંકા ગાળામાં સારી આવક મેળવી લે છે. ઉત્તરાયણ પર અમદાવાદીઓ ફાફડા-જલેબી અને ચીકીનો સ્વાદ માણે છે, તો સુરતીઓ ઊંધિયું અને જલેબીના સ્વાદ સાથે ઉત્તરાયણની મજા માણે છે. ગુજરાતના અન્ય શહેરોમાંથી ઘણાં લોકો ઉત્તરાયણ કરવા ખાસ સુરત આવે છે. સુરત શહેરનું પતંગ અને દોરીનું બજાર અંદાજે વીસેક કરોડ રૂપિયાની આસપાસનો અંદાજ મૂકવામાં આવે છે. આ સિવાય અમદાવાદમાં પણ કરોડો રૂપિયાના પતંગ વેચાઈ ગયા હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

સુરતના રાંદેર ખાતે વર્ષોથી પતંગનો ધંધો કરતાં વડીલે જણાવ્યું કે આ વખતની ઉત્તરાયણમાં પહેલા જેવો માહોલ જોવા મળી રહ્યો નથી, પણ પતંગ બજારમાં પાછલા બે-ત્રણ દિવસથી સારીએવી ધરાકી નીકળી છે. એ જોતાં બે દિવસમાં પતંગ બજારમાં ઉછાળો આવ્યો છે અને એવું કહી શકાય કે પતંગ બજારમાં ચમકારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદના પતંગ વિક્રેતાએ જણાવ્યું કે આ વખતે પતંગ બજારમાં ઘરાકી નીકળી છે અને ગુજ્જુઓ ઉત્તરાયણની મજા માણવા થનગની રહ્યા છે. આખો લોટ હવે ખલાસ થવાની તૈયારીમાં છે અને નવો લોટ મંગાવવામાં આવ્યો છે. આમ પણ પતંગના ભાવમાં વધારો છે છતાં લોકો ખરીદી કરી રહ્યા છે અને પતંગ તથા તેની સાથે માંજો પણ ઘસાવી રહ્યા છે.