દીપિકા પાદુકોણ જેએનયુમાં જવાને કારણે સ્પોન્સર કપંનીઓ ડરી : જાહેરાત અટકાવી દીધી

દેશમાં જાહેરાતો અને ફિલ્મોમાં સૌથી વધુ પેમેન્ટ મેળવનારી અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથેના પોતાના જોડાણ બાબતે મુખ્ય બ્રાન્ડ્સ હવે સતર્કતા બતાવવા માંડી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં બુકાનીધારીઓએ વિદ્યાર્થીઓ પર લોખંડના સળીયા, ચેન અને લાઠીઓ વડે હુમલો કર્યો તે પછી લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત એક પ્રદર્શનમાં દીપિકા પાદુકોણ પણ કેમ્પસમાં પહોંચી હતી. તેના કારણે નારાજ થયેલા એક વર્ગે દીપિકાની નવી ફિલ્મ છપાકનો વિરોધ શરૂ કર્યો અને હવે એ વિવાદને કારણે દીપિકા સાથે જોડાયેલી બ્રાન્ડ઼્સે સતર્કતા દાખવવા માંડી છે.

કેટલીક બ્રાન્ડ્સે કહ્યું હતું કે તેઓએ દીપિકાવાળી પોતાની જાહેરાતો હવે ઓછી બતાવવા માંડી છે, જ્યારે પ્રસિદ્ધ સ્ટારના એન્ડોર્સમેન્ટ સંભાળનારા મેનેજરોએ કહ્યું હતું કે આગામી સમયમાં જાહેરાતોના કરારમાં આ પ્રકારના ક્લોઝ જોડવામાં આવી શકે છે, જેમાં સેલેબ્રિટીનું રાજકીય વલણ નક્કી કરવાથી પ્રશાસન નારાજ થવાને કારણે થનારા જોખમનો ઉલ્લેખ હશે. કોકોકોલા અને એમેઝોન વગેરેને રિપ્રેઝન્ટ કરનારી આઇપીજી મીડિયા બ્રાન્ડ્સના ચીફ એક્ઝિક્યુટિવ શશિ સિન્હાએ કહ્યું હતું કે સામાન્યપણે બ્રાન્ડ્સ સુરક્ષિત દાવ રમે છે. તેઓ કોઇપણ વિવાદથી બચવા માગે છે.

દીપિકા ટ્રોલ્સના નિશાન પર

પોતાની ફિલ્મ છપાકની રિલીઝના 3 દિવસ પહેલા દીપિકા 7 જાન્યુઆરીએ જેએનયુ કેમ્પસમાં ગઇ હતી. બુકાનીધારીઓના હુમલામાં ઘાયલ જેએનયુ વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષ આઇશી ઘોષ સાથે ઊભેલી દીપિકાનો ફોટો તે પછી વાયરલ થયો હતો. એક તરફ તેણે દાખવેલા આ સાહસની પ્રશંસા થઇ હતી, ત્યારે બીજીતરફ દીપિકા પર ઘણાં મંત્રીઓ, દક્ષિણપંક્ષી ટ્રોલ્સ વગેરેએ નિશાન સાધ્યું હતુ.

કેટલીક કંપનીઓએ બે અઠવાડિયા સુધી જાહેરાતો અટકાવી

એક મીડિયા બાઇંગ એજન્સીના એક્ઝિક્યુટિવે કહ્યું હતું કે મધ્યમ કદના એક બ્રાન્ડ્સે અમને કહ્યું છે કે દીપિકાવાળી જાહેરાતને બે અઠવાડિયા સુધી અટકાવી દેવામાં આવે. આશા છે કે ત્યાં સુધીમાં આ વિવાદ ઠંડો થઇ જશે. દીપિકા બ્રિટાનીયા ગુડ ડે, લોરિયલ, તનિષ્ક, વિસ્તારા એરલાઇન્સ અને એક્સિસ બેન્ક જેવી 23 બ્રાન્ડ્સ માટે જાહેરાતો કરે છે. દીપિકાની નેટવર્થ 103 કરોડ રૂપિયાની છે. ટિ્વટર પર તેના 2.68 કરોડ ફોલોઅર છે.

રાજકીય બાબતો પર બોલવાના નફા-નુકાસન સમજાવી રહી છે મેનેજમેન્ટ કંપનીઓ

શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ ડિલ્સ પર કામ કરી ચુકેલી ક્રોસઓવર એન્ટરટેઇનમેન્ટની એમડી વિનીતા બંગાર્ડે કહ્યું ઠે તે મને લાગે છે કે હાલના વિવાદને કારણે બ્રાન્ડ્સ પીછેહઠ કરશે, દીપિકાને જે વાત પર વિશ્વાસ છે તેના માટે તે ઊભી થઇ. બ્રાન્ડ્સ રાજકીય દૃષ્ટિકોણથી બચવા માગશે, પણ વિચારશીલ સેલેબ્રિટીને પોતાની વાત રજૂ કરવાની આઝાદી હોવી જોઇએ. એક ટોપ સેલેબ્રિટી મેનેજમેન્ટ કંપનીના હેડે કહ્યું હતું કે અમે સેલેબ્રિટી ક્લાયન્ટ્સને રાજકીય મામલે બોલવાના નફા અને નુકસાન બાબતે જણાવી રહ્યા છીએ. નક્કી તો તેમણે જ કરવાનું છે, જો કે સંવેદનશીલ મુદ્દામાં વિવાદ વધી પણ શકે છે.