ટી-20 વર્લ્ડકપમાં ટીમની સંખ્યા 16થી વધારીને આટલી કરવાની આઇસીસીની યોજના

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) 2023-31ની સિઝનમાં ટી–20 વર્લ્ડકપમાં ટીમની સંખ્યા 16 પરથી વધારીને 20 કરવાનું વિચારી રહી છે. એક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. ટેલિગ્રાફ.કો.યૂકેના જણાવ્યા અનુસાર રમતને વિસ્તારવા માટે ટી-20 ફોર્મેટને શ્રેષ્ઠતમ રીત માનતી આઇસીસી એ વિકલ્પ પર વિચારણા કરી રહ્યું છે કે જેનાથી ક્રિકેટને ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોની લોકપ્રિયતાની બરોબરી પર મુકી શકાય.

અખબારના અહેવાલ અનુસાર આ અંગે વિચાર કરવાનો મુદ્દો 2023-31ના ઇન્ટરનેશનલ ક્રિકેટ કેલેન્ડર બાબતે થનારી વિસ્તૃત ચર્ચાનો હિસ્સો છે. આ સીઝનની પહેલી ટી-20 વર્લ્ડકપ 2024માં થશે. આઇસીસીએ વૈશ્વિક મીડિયા રાઇટ્સના બજારમાં ઉતરતા પહેલા દર વર્ષે પોતાની એક વૈશ્વિક સ્પર્ધાનું આયોજન કરવાનો પ્રસ્તાવ મુક્યો છે અને વિશ્વકપમાં ટીમની સંખ્યા વધારવાથી દર્શકોની સંખ્યામાં પણ વધારો થવાનું તેઓ માને છે.

મોટી ટૂર્નામેન્ટનો મતલબ એ છે કે અમેરિકામાં તેના પ્રતિનિધિત્વની સંભાવના વધશે. આઇસીસી અમેરિકાને એક મોટા બજાર તરીકે જોઇ રહી છે અને એ દેશમાં રમતને ઉત્તેજન આપવા માટે હાલમાં જ ઘણાં પ્રયાસ કર્યા છે. કેનેડા, જર્મની, નેપાળ અને નાઇજિરીયાની ટીમને પણ તેમાં રમાની તક મળી શકે છે.