વાપીમાં ચકચાર: ટીવી જોઈ રહેલી બે મહિલાઓ પર અંધાધૂંધ ફાયરીંગ, મહેમાન મહિલા પર પણ ગોળીઓનો વરસાદ

શનિવારની રાત વાપીમાં કાળમુખી કાળોતરી લઈને આવી હતી. ઘરમાં બેસીને ટીવી જોઈ રહેલી બે મહિલાઓ પર અજાણ્યા તત્વોએ અંધાધૂંધ ગોળીબાર કરી તેમની હત્યા કરતા વાપી ટાઉનમાં ચકચાર મચી જવા પામી હતી.

સનસનાટીપૂર્ણ ઘટનાની મળી રહેલી વિગતો મુજબ વાપીના ચણોદ વિસ્તારની કોલોનીમાં આ ઘટના બની હતી. ચણોદમાં આવેલી કોલોનીમાં બે મહારાષ્ટ્રીયન મહિલાઓ ઘરમાં ટીવી જોઈ રહી હતી ત્યારે બાઈક પર સવાર થઈને આવેલા બે અજાણ્યા હત્યારાઓએ ઘરમા ધૂસી જઈને મહિલાઓ પર આડેધડ ગોળી છોડી હતી. આ ગોળીબારમાં ઘટના સ્થળે જ મહિલાઓનાં મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં વાપીના પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચણોદ દોડી આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. હત્યા કરીને અજાણ્યા તત્વો ફરાર થઈ ગયા હતા. ડબલ મર્ડરની ઘટના મહારાષ્ટ્રીય પરિવારમા બનતા વાપીમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ઘટનામાં મુંબઈથી મહેમાન તરીકે આવેલી મહિલાનું મોત નિપજ્યુ હતુ.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે નવમી જાન્યુઆરીએ  ચણોદમાં જ આવેલી IIFL  gold loan નામની કંપનીમાં 10 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. 10 કરોડ રૂપિયાની લૂંટની શાહી સુકાઈ નથી ત્યાં તો ડબલ મર્ડરની ઘટનાએ પોલીસને દોડતી કરવા ઉપરાંત ચોંકાવી દીધી છે.