બુમરાહને મળશે પોલી ઉમરીગર અને દિલીપ સરદેસાઇ એવોર્ડ

ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહનને પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. રવિવારે મુંબઇમા યોજાનારા બીસીસીઆઇના વાર્ષિક એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ક્રિકેટર (2018-19) માટે બુમરાહને આ એવોર્ડ આપવામા આવશે. આ ઉપરાંત ટેસ્ટમાં મધ્યમક્રમના બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને યુવા ઓપનર મયંક અગ્રવાલને પણ બીસીસીઆઇ સન્માનિત કરશે. સાથે જ માજી કેપ્ટન અને માજી પસંદગીકાર ક્રિષ્ણામાચારી શ્રીકાંતને પણ સન્માનિત કરવામાં આવશે.

જસપ્રીત બુમરાહને 2018-19ના વર્ષમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડની સાથે જ 2018-19માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે દિલીપ સરદેસાઇ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે. મહિલા ખેલાડીઓમાં આ અવોર્ડ પૂનમ યાદવને આપવામાં આવશે. જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ડેપબ્યુ કરનારા જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ સામે એક દાવમાં પાંચ વિકેટ લેનારો એશિયાનો પહેલો બોલર છે.

કૃષ્ણામાચારી શ્રીકાંત- અંજૂમ ચોપરાનુ પણ સન્માન કરાશે

1983ની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનો હિસ્સો રહેલા ટીમના માજી કેપ્ટન શ્રીકાંતને કર્નલ સી કે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ તેમજ મબિલા ટીમની માજી ખેલાડી અંજૂમ ચોપડાને બીસીસીઆઇ લાઇફ ટાઇમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.