અંતિમ ટી -20માં શ્રીલંકાને હરાવી ભારતે 2-0થી સીરિઝ જીતી

અહીં ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ભારતીય ટીમે પ્રથમ દાવ લઇને કેએલ રાહુલ અને શિખર ધવનની અર્ધસદી ઉપરાંત અંતિમ ઓવરોમાં શાર્દુલ ઠાકુર અને મનીષ પાંડેએ મળીને અંતિમ 15 બોલમાં 37 રનનો ઉમેરો કરતાં સ્કોર 6 વિકેટે 201 રન થયો હતો. ભારતે અંતિમ 4 ઓવરમાં 59 રન બનાવ્યા હતા. 202 રનના લક્ષ્યાંકની સામે ભારતના મજબૂત બોલિંગ આક્રમણને કારણે શ્રીલંકાની ટીમ 123 રનમાં ઓલઆઉટ થતાં ભારતીય ટીમ 78 રને મેચ જીતવાની સાથે 2-0થી સીરિઝ જીતી ગઇ હતી. મેચમાં 8 બોલમાં 22 રન અને બોલિંગમાં 2 વિકેટ ઉપાડનારા શાર્દુલ ઠાકુરને મેન ઓફ ધ મેચ જ્યારે નવદીપ સૈનીને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.

8 બોલમાં 22 રન કરી બોલિંગમાં 2 વિકેટ ઉપાડનાર શાર્દુલ મેન ઓફ ધ મેચ સૈની મેન ઓફ ધ સીરિઝ

202 રનના લક્ષ્યાંકની સામે શ્રીલંકાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 26 રનના સ્કોર પર તેમણે 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી એન્જેલો મેથ્યુઝ અને ધનંજય ડિ સિલ્વાએ મળીને 68 રનની ભાગીદારી કરીને સ્કોર 94 પર પહોંચાડ્યો હતો. આ સ્કોર પર મેથ્યુઝ અંગત 31 રન કરીને આઉટ થયો હતો. 29 રનના ઉમેરામાં તેમણે બાકીની પાંચ વિકેટ પણ ગુમાવી દેતા શ્રીલંકાની ટીમ 15.5 ઓવરમાં 123 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. ભારત વતી નવદીપ સૈનીએ 3 જ્યારે શાર્દુલ અને વોશિંગ્ટન સુંદરે 2-2 તેમજ બુમરાહે 1 વિકેટ ઉપાડી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી અને ધવન તેમજ રાહુલે 10.5 ઓવરમાં 97 રનની ભાગીદારી કરી હતી. આ સ્કોર પર ધવન આઉટ થયો હતો. તેણે 36 બોલમાં 52 રન કરીને પોતાની 10મી અર્ધસદી ફટકારી હતી. ધવન આઉટ થયા પછી ભારતીય ઇનિંગ લથડી હતી અને 97 રને 1 વિકેટ પરથી 122 પર 4 વિકેટનો સ્કોર થયો હતો. વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનેશનલમા પોતાની કેરિયરમાં બીજીવાર છઠ્ઠા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો. તેણે 17 બોલમાં ઝડપી 25 રન બનાવ્યા હતા અને ખોટી રીતે બીજો રન લેવાના પ્રયાસમાં રન આઉટ થયો હતો. તે પછી વોશિંગ્ટન સુંદર પણ આઉટ થતાં સ્કોર 164 પર 6 વિકેટ થયો હતો. જો કે તે પછી મનીષ પાંડે અને શાર્દુલ ઠાકુરે 15 બોલમાં 37 રનની ભાગીદારી કરીને સ્કોર 200 પાર પહોંચાડી દીધો હતો. પાંડે 18 બોલમાં 31 અને શાર્દુલ 8 બોલમાં 22 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.