ખજાનો થઈ રહ્યો છે ખાલી: 1.76 લાખ કરોડ બાદ સરકાર માંગી શકે છે 45 હજાર કરોડ

દેશ આર્થિક સુસ્તીના વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે. આર્થિક મંદી વચ્ચે વચ્ચે કેન્દ્ર સરકાર ભારતીય રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડની સહાય માંગી શકે છે. આ દાવો ન્યૂઝ એજન્સી રોઇટર્સ દ્વારા કરવામાં આવ્યો છે.

રોઇટર્સના રિપોર્ટ મુજબ  આવક વધારવા માટે સરકાર આ પગલાં ભરશે. જો આવું થાય તો આરબીઆઈ અને સરકાર વચ્ચે ફરી એક વખત મતભેદો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે કેન્દ્રને ડિવિડન્ડ તરીકે રૂ. 1.76 લાખ કરોડ આપવાનું કહ્યું હતું. આ રકમમાંથી ચાલુ નાણાકીય વર્ષ (2019-20) માટે 1.48 લાખ કરોડ આપવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર આરબીઆઈ મોટાભાગે ચલણ અને સરકારી બોન્ડના વેપારથી નફો મેળવે છે. આરબીઆઈ આ કમાણીનો એક ભાગ તેના ઓપરેટિંગ અને ઇમરજન્સી ફંડ તરીકે જાળવે છે. આ પછી બાકીની રકમ સરકારને ડિવિડન્ડ તરીકે જાય છે.

એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ ખૂબ મુશ્કેલ છે. આ વર્ષે આર્થિક મંદીના કારણે વિકાસ દર પાંચ વર્ષના સૌથી નીચા સ્તરે (પાંચ ટકા) રહી શકે છે. આવી સ્થિતિમાં સરકારને આરબીઆઈની આર્થિક મદદથી રાહત મળી શકે છે. સૂત્રએ કહ્યું, “અમે આરબીઆઈની મદદ નિયમિત વસ્તુ બનાવવા માંગતા નથી, પરંતુ આ વર્ષ તેને અપવાદ ગણી શકાય.” સૂત્રએ જણાવ્યું હતું કે સરકારને 35,000 કરોડથી 45,000 કરોડ રૂપિયાની સહાયની જરૂર છે.

જો આરબીઆઈ કેન્દ્ર સરકારની માંગને સ્વીકારે તો તે સતત ત્રીજું વર્ષ હશે જ્યારે સરકારને વચગાળાનું ડિવિડન્ડ મળશે. આરબીઆઈ અને સરકાર વચ્ચે ફરીથી મતભેદ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે આરબીઆના પૂર્વ વડા ઉર્જિત પટેલના કાર્યકાળ દરમિયાન ભંડોળ ટ્રાન્સફર અંગે વિવાદ થયો હતો. આ વિવાદ ઉર્જિત પટેલના રાજીનામાથી સમાપ્ત થયો.

વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારને આશરે 19.6 લાખ કરોડની આવક ખાધનો સામનો કરવો પડી રહ્યો છે. આ કટોકટીનું મુખ્ય કારણ આર્થિક મંદી ઉપરાંત કોર્પોરેટ ટેક્સમાં આપવામાં આવતી રાહત છે. આ સિવાય જીએસટી અને ટેક્સ કલેક્શન અપેક્ષા મુજબ થઈ શક્યું નથી.