યુ-વિન કાર્ડ: ગુજરાત ભરના 119 કડીયા નાકા પર માત્ર 10 રૂપિયામાં 6 લાખથી વધુ મજૂરોને મળશે ભરપેટ ભોજન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર હવે, શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ યુ-વિન કાર્ડ ધરાવતા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ મળતો થશે.

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા અધિક મુખ્યય સચિવ વિપુલ મિત્રા અને શ્રમ વિભાગ તેમજ બાંધકામ શ્રમયોગી બોર્ડના અધિકારીઓની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 2017થી શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના અન્વયે 12 જિલ્લાઓના ૩૬ શહેરોના 119 કડિયા નાકાઓ ઉપર જે ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે ત્યાં અત્યારસુધીમાં 54 કરોડના ખર્ચે 109.30 લાખ ભોજન વિતરણ થયું છે.

મુખ્યમંત્રીએ આ યોજનાની સફળતાને પગલે હવે કડિયાનાકા ઉપર બાંધકામ શ્રમિક સિવાય અસંગઠિત ક્ષેત્રના યુ-વિન કાર્ડધારક શ્રમિકોને પણ આ યોજના નીચે આવરી લેવાનો નિર્ણય કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજયમાં જે 119 કડિયાનાકા ઉપર ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે ત્યાં બાંધકામ શ્રમિક સિવાયના આવા યુ-વિન કાર્ડધારક અસંગઠિત શ્રમિકો પણ ભોજનનો લાભ મેળવી શકશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો કે, બાંધકામ શ્રમિકો ઉપરાંત આવા યુ-વિન કાર્ડ ધરાવતા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને 10 રૂપિયામાં ભરપેટ ભોજનનો લાભ આપવો.

એટલું જ નહીં શ્રમિક નોંધાયેલા ન હોય કે યુ-વિન કાર્ડ ધરાવતા ન હોય તેવા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ હંગામી ઓળખ કાર્ડ આપીને 60 દિવસ સુધી ભોજનનો લાભ અપાશે.

મુખ્યમંત્રીના આ સંવેદનાસ્પર્શી નિર્ણયના પગલે શ્રમિકોને કામના સ્થળે જતાં સવારે ભોજન બનાવવાનો સમય બચી જશે અને તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકશે તથા આર્થિક બચત પણ થશે.