JNU હિંસા: આઈશી ઘોષ સહિત નવ લોકો ઓળખાયા, દિલ્હી પોલીસે જારી કર્યા ફોટો

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે શુક્રવારે  9 લોકોના ફોટા જાહેર કર્યા છે. તેમાં જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ આઈશી ઘોષનું નામ પણ આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઓળખાયેલા લોકોમાં ચંચન કુમાર, પંકજ મિશ્રા, યોગેન્દ્ર ભારદ્વાજ, પ્રિયા રંજન, શિવ પૂજન મંડળ, ડોલન, એશી ઘોષનો સમાવેશ થાય છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના ડીસીપી જોય ટીર્કીએ જણાવ્યું કે આ કેસમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં જ અમે તેમની પૂછપરછ શરૂ કરી શકીશું. તેમણે કહ્યું કે હિંસા અંગે ત્રણ કેસ નોંધાયા છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ.

પોલીસ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા બાદ જેએનયુ  વિદ્યાર્થી સંઘના પ્રમુખ આઈશી ઘોષે કહ્યું કે મને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ છે કે તપાસ નિષ્પક્ષ રહેશે. મને ન્યાય મળશે. પરંતુ દિલ્હી પોલીસ પક્ષપાત કેમ કરી રહી છે?  મારી ફરિયાદ એફઆઈઆર તરીકે દાખલ કરવામાં આવી નથી. મેં કોઈને માર્યો નથી. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ પોતાની તપાસ કરી શકે છે. મારી ઉપર કેવી રીતે હુમલો થયો તે બતાવવા માટે મારી પાસે પુરાવા પણ છે.

ક્રાઈમ બ્રાંચના ડીસીપી જોય ટીર્કીએ જણાવ્યું કે આ કેસની તપાસ અંગે ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. પહેલી જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી દરમિયાન રજિસ્ટ્રેશન થવાનું હતું. જોકે, એસએફઆઈ, એઆઈએસએ, એઆઈએસએફ અને ડીએસએફ વિદ્યાર્થી સંગઠનોએ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવતા અટકાવ્યા હતા. રજિસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી રહી હતી. આ પછી  વિવાદ વધતો ગયો અને પાંચ જાન્યુઆરીએ પેરિયાર અને સાબરમતી હોસ્ટેલના કેટલાક રૂમ પર હુમલો કરવામાં આવ્યો હતો.