રોજનો 200 ગ્રામ ટેલ્કમ પાવડર ખાઇ જાય છે આ મહિલા : 15 વર્ષમાં ખર્ચ્યા 7.5 લાખ રૂપિયા

ઘણાં લોકોને અજબ પ્રકારની ચીજ વસ્તુઓ ખાવાનો શોખ હોય છે, ઘણાં લોકો મોટા થઇ ગયા હોવા છતાં નાના બાળકની જેમ માટી ખાવાનું પસંદ કરે છે, તો ઘણાં લોકો સ્લેટીયા પથ્થર સુદ્ધા ખાય છે અને કેટલાકને ચોક ખાવાની આદત હોય છે. જો કે લીસા એન્ડરસન નામક એક મહિલાને તો એવી વસ્તુ ખાવાની લત લાગી છે કે જે નવાઇ ઉપજાવે છે. લીસાને ટેલ્કમ પાવડર ખાવાની આદત લાગી છે અને 15 વર્ષથી તે દરરોજ સરેરાશ 200 ગ્રામ ટેલ્કમ પાવડર ખાઇ જાય છે.

લીસા ત્રણ બાળકોની માતા છે અને તે પોતાના બાળકોને ટેલ્કમ પાવડર લગાવતી વખતે તેને ચાખતી હતી, તેની ટેલ્કમ પાવડર ચાખવાની આદત ધીરે ધીરે લતમાં પલટાઇ ગઇ. લીસાએ ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું નાહ્યા પછી પાવડર લગાવતી હતી અને મારા બાળકોને નવડાવ્યા પછી તેમને પણ પાવડર લગાવતી હતી, મને તેની સુગંધ ઘણી ગમતી હતી અને તેને કારણે હું તેને ચાખવા અને પછી ખાવા લાગી.હવે એ સ્થિતિ છે કે હવે એ મારી લતમાં પલટાઇ ગઇ છે અને હું તેના પર કાબુ રાખી શકતી નથી.

તેણે દાવો કર્યો હતો કે તે દરરોજ 200 ગ્રામ પાવડર ખાઇ જાય છે. તેને દર અડધા કલાકે પાવડરની ફાંકી મારવા જોઇએ છે. એટલું જ નહીં પણ પાવડર ખાવા માટે તે રાત્રે એક કે બે વાર નહીં પણ ચાર વાર જાગે છે અને પાવડરની ફાકી મારીને પાછી સુઇ જાય છે.તેણે યાદ કરીને કહ્યું હતું કે છેલ્લા 15 વર્ષમાં હુ પાવડર ખાધા વગર વધુમાં વધુ બે દિવસ રહી શકી છું. તેણે 15 વર્ષમાં પાવડર ખાવા પાછળ 7.5 લાખ રૂપિયા ખર્ચી નાંખ્યા છે.